Connect Gujarat
ગુજરાત

વલસાડ-ખેરગામ રોડની બંધ કામગીરીને લઈને 40 ગામના સરપંચો મેદાને, જુઓ કેવું આપ્યું તંત્રને અલ્ટિમેટમ..!

ખેરગામ રોડના નવીનીકરણની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી બંધ છે, ત્યારે વિવિધ ગામના સરપંચો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું

X

વલસાડ-ખેરગામ રોડના નવીનીકરણની કામગીરી બંધ

કામગીરી શરૂ કરવાની 40 ગામના સરપંચો દ્વારા માંગ

રસ્તો ખોદી વૃક્ષનું વાવેતર કરવાની આપી તંત્રને ચીમકી

વલસાડ જીલ્લામાં 40થી વધુ ગામોને જોડતા ખેરગામ રોડના નવીનીકરણની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી બંધ છે, ત્યારે વિવિધ ગામના સરપંચો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

વલસાડ-ખેરગામ રોડનું 2 વર્ષ બાદ નવીનીકરણ કરવામાં આવી રહ્યું હતું. આ રોડ કુલ રૂ. 19.20 કરોડના ખર્ચે બની રહ્યો હતો. પરંતુ વન વિભાગ અને માર્ગ અને મકાન વિભાગના સંકલનના અભાવે આ રોડની કામગીરી અટકી ગઈ છે. છેલ્લા દોઢ વર્ષ ઉપરથી આ કામગીરીમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પરવાનગી ન લેવામાં આવી હોવાને લઈને કામગીરી અટકાવવામાં આવી છે. જે બાદ આ રોડ ઉપર આવેલ ઘણા નાના પુલ પણ તોડી પાડવામાં આવ્યા હતા. જેને લઈને આ રોડ પરથી પસાર થતા લાખો લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સમગ્ર મામલે 40 ગામના સરપંચોએ અગાઉ પણ ચીમકી ઉચ્ચારતા કામગીરી થોડા સમય માટે શરૂ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ કામગીરી ફરી બંધ કરી દેવાતા સરપંચો અને સ્થાનિકો સાથે ભેગા મળી આ રોડની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. ટૂંક જ સમયમાં ચૂંટણી પણ આવનાર હોય જેને લઇને આ રોડની કામગીરી અટકી ન જાય તે હેતુસર આવેદન પત્ર સાથે અલ્ટીમેટમ આપતા આગામી 7 દિવસમાં કામગીરી શરૂ ન કરવામાં આવે તો સમગ્ર રોડને ખોદી તેમાં વૃક્ષનું વાવેતર કરાશે તેવી સ્થાનિકો અને સરપંચો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Next Story