હાલોલ GIDCની એગ્રો કંપનીમાં સર્જાયો અકસ્માત
રસાયણિક પ્રક્રિયા દરમ્યાન સર્જાયો હતો અકસ્માત
ગરમ પાણીનો વાલ્વ ખૂલી જતાં 5 કામદાર દાઝ્યા
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ હેઠળ
કંપનીમાં સલામતી નિયમો અંગે પ્રશ્નો ઉભા થયા
પંચમહાલ જિલ્લાની હાલોલ GIDCની એગ્રો કંપનીમાં રસાયણિક પ્રક્રિયા દરમ્યાન અકસ્માત સર્જાતા 5 જેટલા કામદારો દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાની હાલોલ GIDCમાં આવેલી એક એગ્રો કંપનીમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. કંપનીના ઉત્પાદન વિભાગમાં રસાયણિક પ્રક્રિયા દરમ્યાન ગરમ પાણીનો વાલ્વ અચાનક ખૂલી જતાં 5 જેટલા કામદારો દાઝી ગયા હતા. વાલ્વમાંથી નીકળેલા ગરમ પાણીના જોરદાર પ્રવાહને કારણે કામદારોના શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી હતી.
બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં પાંચેય ઇજાગ્રસ્ત ઘાયલ કામદારોને પ્રથમ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ કંપનીમાં સલામતી નિયમોના અમલીકરણ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. કંપનીની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.