New Update
ભારત ભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવની ઉજવણી થાય છે,આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું ચડોતર એક એવું ગામ છે કે જ્યાં બળેવની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે થાય છે,એટલે કે રક્ષા બંધનનાં એક દિવસ પહેલા જ રક્ષાબંધન ઉજવવામાં આવે છે.બહેનો પોતાના ભાઈઓને રક્ષા બંધનનાં એક દિવસ પહેલા રાખડી બાંધી અને દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. ચડોતર ગામની જે દીકરીઓનાં લગ્ન થયેલા હોય તે દીકરીઓ પણ તેમના ઘરેથી રક્ષાબંધનના એક દિવસ પહેલા ચડોતર ગામમાં આવી અને પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે અને રક્ષાબંધન પર્વની હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરે છે.
સમગ્ર દેશમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવાશે,પરંતુ ચડોતર ગામમાં આજે રક્ષાબંધન ઉજવાઈ રહ્યું છે.વર્ષો પહેલાંની પરંપરા આજે પણ યથાવત છે.ચડોતર ગામમાં આજથી વર્ષો પહેલા ગામમાં રોગચાળો ફેલાયો હતો અને આ રોગચાળો કાબુમાં આવતો ન હતો જેના લીધે લોકોના મોત પણ થયા હતા,ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા અને રોગચાળો ભયંકર પ્રસરી ગયો હતો.ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા. ત્યારે ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે કરવાનું કહ્યું હતું.વડીલોનું માનવું છે કે પૂજારીને સ્વપ્નમા માતાજીએ કહ્યું હતું કે આ રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે કરવામાં આવે તો રોગચાળો દૂર થશે. ત્યારે પૂજારીએ ગામના વડીલોને આ સૂચન કર્યું હતું.જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ ચૌદસે ઉજવવાનું નક્કી કર્યું ત્યારે રોગચાળો દૂર થતાં આજ સુધી આ પ્રથા અકબંધ છે.
Latest Stories