આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના અંતર્ગત નડિયાદના યુવા દંપતીને મળી રૂ. 1 લાખની સહાય...

સમાજમાં પ્રવર્તિત જાતિગત ભેદભાવના દૂષણને ડામવા સરકાર વતી નવીનતમ પહેલ કરવામાં આવી છે.

New Update
આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના અંતર્ગત નડિયાદના યુવા દંપતીને મળી રૂ. 1 લાખની સહાય...

સમાજમાં પ્રવર્તિત જાતિગત ભેદભાવના દૂષણને ડામવા સરકાર વતી નવીનતમ પહેલ કરવામાં આવી છે. લોકોમાં સકારાત્મક અભિગમ કેળવાય અને જાતિવાદની સાંકળ તોડી સમાજમાં અસ્પૃશ્યતા નિવારણની વાત આગળ વધે અને જાતિવાદ દુર થાય તે હેતુસર આંતરજ્ઞાતીય લગ્ન યોજનાની સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકાર તરફથી આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના દ્વારા રૂ ૨.૫૦ લાખ સુધીની સહાય આપવામાં આવે છે.

ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગની ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન યોજનાના લાભ થકી ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના રહેવાસી મિતેશ મકવાણાએ નડિયાદના વૈષ્ણવી બારોટ જોડે સુખેથી પ્રભુતામાં પગલાં પાડયા છે. હાલમાં વટવા, અમદાવાદ ખાતે નોકરી કરતા મિતેશ મકવાણાએ નડિયાદમાં ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા વૈષ્ણવી બારોટ જોડે તા. ૨૪/૧૦/૨૦૨૦ના રોજ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા. તેઓના લગ્ન બાદ મિતેશને તેમના મિત્ર વર્તુળ તરફથી ડો. સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન યોજનાના લાભ વિશે જાણ થઇ હતી. ત્યારબાદ મિતેશએ નડિયાદ સરદાર ભવનમાં સમાજ કલ્યાણ વિભાગ અને અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના અધિકારીઓની મદદથી આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવી અને જરૂરી પ્રમાણ પત્રો સાથે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન દ્વારા અસ્પૃશ્યતા દુર કરી સામાજીક સમરતા લાવવાના ભાગરૂપે ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં રૂ. ૧,૦૦,૦૦૦/-ની સહાય પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતમાં પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તથા રૂ. ૧,૫૦,૦૦૦/- રકમ ઘરવપરાશના સાધનો ખરીદવા માટે એમ કુલ રૂ. ૨,૫૦,૦૦૦/ની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યકિત ગુજરાતના મુળ વતની હોવા જોઇએ તથા લગ્નની નોંધણી કરાવી લગ્ન બાદ બે વર્ષની અંદર આ યોજના માટે સહાય મેળવવા અરજી કરી શકાય છે. આ ઉપરાંત આંતરજ્ઞાતિય લગ્ન કરનાર વ્યક્તિ જો પરપ્રાંતની હોય તો તેના મા-બાપ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોય તે જરૂરી છે. ઉપરાંત અનુસૂચિત જાતિ સિવાયની બીજી વ્યકિત પરપ્રાંતની હોય તો તે જે તે પ્રાંત કે, રાજ્યમાં તે અસ્પૃશ્ય ગણાતી નથી અને હિંન્દુ ધર્મ પાળે છે, તે બાબતનું પ્રમાણપત્ર આપી આ યોજનાનો લાભ લઈ શકે છે.

Latest Stories