નવાપરા વિસ્તારમાં રહેતા યુવાનની તબિયત લથડી
યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
સારવાર દરમ્યાન 35 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું
તબીબની ગંભીર બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ
તબીબી અધિક્ષકે તપાસની ખાત્રી આપતા મામલો થાળે
મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય હાજી મહેતર નામના યુવાનને ટીબી, ડાયાલીસીસ, ડાયાબિટીસ સહિતની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમની તબિયતમાં સુધારો આવતા ગત તા. 23 ડિસેમ્બર-2025’ના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ ફરીથી તેઓની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
તેવામાં ગત તા. 28 ડિસેમ્બર-2025’ના રોજ રાત્રિના સુમારે સારવાર દરમ્યાન દર્દી હાજી મહેતરનું હોસ્પિટલના બિછાને કરૂણ મોત નીપજ્યું હતું, ત્યારે મૃતકના પરિવારજનોએ તબીબની ગંભીર બેદરકારીના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. બનાવની જાણ થતાં જ ભાવનગર સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક તાત્કાલિક દોડી આવ્યા હતા, જ્યાં મૃતકના પરિવારજનોને સમજાવી કમિટીની રચના કરી યોગ્ય તપાસ કરવાની ખાત્રી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.