બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી એ મુજબ ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે
બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી એને લઇને ગુરુવાર રાતથી પાટણ, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં વરસાદ પડી રહ્યો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર, રાધનપુર, સંતાલપુર, સમી, હારીજ, શંખેશ્વર અને સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એને લઇને અનેક ઝાડ ધરાશાયી થયાં છે. તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, થરાદ, વાવ, દિયોદર અને સુઇગામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. એને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. બનાસકાંઠા જિલ્લાના થરાદના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયાં છે, તો થરાદ-ભાભર હાઇવે પર પણ પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકી સર્જાઈ રહી છે.