અમદાવાદ: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ,૧ કરોડ 21 લાખ લોકોએ લીધી મુલાકાત

અમદાવાદમાં યોજાયેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી સમારોહ નું સમાપન થયું છે. એક મહિનાથી અમદાવાદમાં ચાલતા ઐતિહાસિક મહોત્સવનું ગઇકાલે સમાપન કરવામાં આવ્યું હતું. એક મહિના દરમિયાન 1 કરોડ 21 લાખ લોકોએ પ્રમુખસ્વામી મહારાજ નગર ની મુલાકાત લીધી હતી. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ચરમસીમા રૂપ પૂર્ણાહુતિ સભામાં લાખો હૈયાં ભાવવિભોર જોવા મળ્યા હતા.
ગઇકાલે ૪:૪૫ વાગ્યે સમાપન સમારોહ પ્રમુખસ્વામી મહારાજ કેમ રે ભુલાય!નો આરંભ કરવામાં આવ્યો હતો. સંતો, યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ગાન અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ કરાવતાં ભક્તિપદો થી સભા નો આરંભ કર્યો હતો.તો સાથે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કરેલાં વ્યસન મુક્તિ, પત્ર લેખન, પધરામણી, શિક્ષણ કાર્યોને દર્શાવતી હૃદયસ્પર્શી વિડિયો દર્શાવવામાં આવી હતી. બાળકો અને યુવાનોએ નૃત્યાંજલિ અને વિડિયો ના માધ્યમથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ભાવ વંદના કરવામાં આવી હતી. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌને આશીર્વચન થી કૃતાર્થ કર્યા હતા. લાખોની ભક્ત મેદનીએ આરતી ના નાદ સાથે દીપ પ્રજ્વલિત કરીને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારે જયજયકાર થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું