Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ક્રાઇમ બ્રાંચના કોન્સટેબલના હત્યારા મનીષ બલાઇને આજીવન કેદની સજા

ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં બન્યો હતો હત્યાનો બનાવ, નારકોટીસના ગુનામાં મનીષને લવાયો હતો ક્રાઇમ બ્રાંચ.

X

અમદાવાદની ગાયકવાડની હવેલીમાં આવેલી ક્રાઇમ બ્રાંચની ઓફીસમાં કોન્સટેબલની હત્યાના ગુનામાં સંડોવાયેલાં આરોપી મનીષ બલાઇને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

20 એપ્રિલ 2016ના રોજ ગાયકવાડ હવેલીમાં આવેલી જડબેસલાક સુરક્ષા વચ્ચે મોડી રાત્રે નારકોટીસના આરોપી કોન્સટેબલની હત્યા કરી ફરાર થઇ ગયો હતો. કોન્સટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યાનો કેસ અમદાવાદની સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી હતી. ગુરૂવારના રોજ કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. કોર્ટે આરોપી મનીષ બલાઇને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે રૂ.25 હજારનો દંડ અને આઈપીસીની કલમ 404 મુજબ 3 મહિનાની સજા અને 2 હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.

દોષી જાહેર થયેલા મનીષ બલાઈને આ તમામ સજાઓ એક જ ભોગવવાની રહેશે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 20 એપ્રિલ 2016ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નાર્કોટિક્સના ગુનામાં મનીષ શ્રવણકુમાર બલાઈને લાવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ મોડી રાત સુધી ગુના બાબતે મનીષની પૂછપરછ કરી હતી. દરમિયાનમાં મોડી રાત્રે અન્ય પોલીસ કર્મીઓ ઘરે ગયા હતા અને ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ચંદ્રકાંત મકવાણા આરોપી મનીષની વોચ રાખી રહ્યા હતા.પીએસઆઇ કે.જી. ચૌધરીની ઓફિસમાં માત્ર ચંદ્રકાંતભાઇ અને આરોપી મનીષ હાજર હતા તે તકનો લાભ ઉઠાવી મનીષે ઓફિસમાં રહેલી પાઇપ ઉઠાવી ચંદ્રકાંતભાઇના માથામાં ફટકારી તેમની હત્યા કરી નાંખી હતી.

હત્યા બાદ આરોપી મનીષ બલાઇ મુંબઇ ભાગી છુટયો હતો. મુંબઇથી જયપુર જતી વેળા તેને કરજણ સ્ટેશને ટ્રેન થોભાવી ઝડપી લેવાયો હતો. બે દિવસ પહેલાં મનીષને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જયાં કોર્ટની બહાર લોકોના ટોળે ટોળા ઉમટ્યાં હતાં. પોલીસની સુરક્ષા હોવા છતાં આરોપીને લોકોએ કોર્ટ પરિસરની બહાર જ માર માર્યો હતો. પરંતુ પોલીસે આરોપીને સુરક્ષિત કર્યો હતો. આરોપી મનીષ બલાઈને અગાઉ પણ કોર્ટમાં રિમાન્ડ દરમિયાન માર મરાયો હતો.

Next Story