અમદાવાદમાંથી પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દેતી ઘટના સામે આવી છે. પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં એકાઉન્ટ રાઇટર હેડએ પોતાની ઓફિસ બંધ કરી પોતાની જાતને ગોળી મારી આપઘાત કરી લીધો છે.
અમદાવાદ પાલડી પોલીસ સ્ટેશનમાં સવારે તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે સવારે અચાનક પોલીસ સ્ટેશનમાં ફાયરિંગનો અવાજ આવ્યો હતો. અવાજ આવતા પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મીઓ દોડતા થઈ ગયા હતાં. પોલીસ સ્ટેશનના એકાઉન્ટ રાઇટર હેડ ઉમેશ ભાટીયાએ પોતાની જાતને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. ઉમેશભાઈ દરરોજની જેમ સવારે પોલીસ સ્ટેશનમાં આવી ગયાં હતાં.
પોલીસ સ્ટેશનમાં આવી તેઓ પોતાની ચેમ્બરમાં ગયાં હતાં અને દરવાજો બંધ કરી દીધો હતો. દરવાજો બંધ થયા બાદ અચાનક ગોળીબારનો અવાજ આવ્યો હતો. તેઓ એકાઉન્ટ રાઇટર હેડ હોવાથી તેમની પાસે પોલીસ સ્ટેશનના હથિયારો અને દારૂગોળો જમા રહેતો હોય છે. હવે સવાલ એ ઊભો થાય છે કે ઉમેશભાઈ નોકરીમાં કોઈનાથી કંટાળીને કે પછી પારિવારિક કારણને લીધે આપઘાત કરી લીધો છે તે હજી બહાર આવી શકયું નથી. ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાલડી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યાં હતાં. મૃતકે કોઇ સ્યુસાઇડ નોટ લખી છે કે કેમ સહિતની બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ સ્ટેશનમાં જ આપઘાત કરી લેનાર પોલીસ કોન્સ્ટેબલ ઉમેશ પહેલા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકયાં છે. ઉમેશ ભાટીયાએ ફરજ દરમિયાન ઓફિસની ખુરશીમાં બેસીને લમણે ગોળી મારી આપઘાત કરી લીધો છે. ગોળી માર્યા બાદ લોહી-લુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઉમેશ ભાટિયા વર્ષ 2009માં પોલીસમાં ભરતી થયા હતા. તેઓ છેલ્લા પાંચ વર્ષથી પાલડી પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા.