કલ્યાણપુરમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર
બે મહિના પહેલા જ બનેલો રોડ તૂટી પડ્યો
રસ્તો ખખડધજ બની જતા સ્થાનિકોમાં આક્રોશ
સ્થાનિક લોકોએ તંત્ર પર કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ
ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરતા સ્થાનિકો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ગઢકાથી સીદસરા ગામને જોડતો નવો બનેલો રોડ માત્ર બે મહિનામાં જ તૂટી પડ્યો છે.જેના કારણે સ્થાનિક લોકોએ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં આવેલા ગઢકાથી સીદસરા ગામને જોડતો નવો બનેલો રોડ માત્ર બે જ મહિનામાં તૂટી પડ્યો છે, જેના કારણે મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી જતાં મુસાફરી જોખમી બની ગઈ છે અને ગ્રામ્ય પંથકના વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડના નિર્માણમાં ગુણવત્તા વિહોણું કામ થયું હોવાનું અને ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ પણે જણાઈ રહ્યું હોવાથી તાત્કાલિક ઉચ્ચ કક્ષાની તપાસ કરાવવાની માંગ ઉઠી છે. જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ ઘટના કલ્યાણપુર પંથકમાં વિકાસના નામે થતા કામોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા કરે છે. સ્થાનિકોની માંગ છે કે આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તમામ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા કિસ્સાઓ ન બને તે માટે તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે.