અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હાલરીયા ગામે વન્યપ્રાણીએ 5 વર્ષીય બાળકી પર હુમલો કરતાં બાળકીનું મોત નીપજ્યું છે, ત્યારે હાલ તો વન વિભાગે પાંજરા ગોઠવી આદમખોર વન્યપ્રાણીને પકડવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અમરેલીના બગસરા તાલુકાના હાલરીયા ગામે રહેતા પરપ્રાંતીય પરિવારની 5 વર્ષીય બાળકી સોનું ડામોર ઉપર વન્યપ્રાણીએ હુમલો કર્યો હતો. ગત મોડી રાત્રે બાળકી પોતાની માતા સાથે સૂતી હતી, ત્યારે એકાએક વન્યપ્રાણી ધસી આવી બાળકીને ઢસડીને કપાસના વણમાં લઇ ગયું હતું. બનાવના પગલે હાલરીયા ગામ સહિતના પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. વન વિભાગની ટીમે વહેલી સવાર સુધી બાળકીની શોધખોળ કરી હતી. જોકે, આ ઘટના બાદ વન વિભાગને માત્ર બાળકીના અવશેષો મળી આવ્યા હતા. વન્યપ્રાણીના હુમલામાં વધુ એક બાળકીનું મોત નીપજ્યું છે, ત્યારે હાલ તો સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યું હોવાનું વન વિભાગ દ્વારા પ્રાથમિક અનુમાન લગાડવામાં આવ્યું છે. જોકે, વન વિભાગ દ્વારા હાલરીયા ગામ અને સીમ વિસ્તારમાં 3 જેટલા પાંજરા ગોઠવી આદમખોર વન્યપ્રાણીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.