જાફરાબાદમાં જેટી પર લોહિયાળ ખટરાગ
MLAના જમાઈ યુવા ભાજપ પ્રમુખ પર થયો હુમલો
યુવા ભાજપ પ્રમુખે પણ બતાવી હતી રિવોલ્વર
માછીમારોએ હુમલો કરતા યુવા ભાજપ પ્રમુખ ઈજાગ્રસ્ત
પોલીસે કરી આરોપીઓની ધરપકડ
અમરેલી જિલ્લાના જાફરાબાદ જેટી પર વાહન ઉભું રાખવાના મુદ્દે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ અને જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ચેતન શિયાળ અને માછીમારો વચ્ચે લોહિયાળ તકરાર સર્જાઈ હતી,જેમાં ચેતન શિયાળ પર કુહાડી વડે હુમલો કરવામાં આવતા ચકચાર મચી છે.તેઓને ગંભીર ઈજા થતા સારવાર માટે ભાવનગર ખસેડાયા છે.જોકે ચેતન શિયાળના હાથમાં પણ રિવોલ્વર હોવાનો વિડીયો વાયરલ થયો છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરની ટી ટાઈપ જેટી પર ફરિયાદી ચંદ્રકાંત શિયાળ અને અન્ય લોકો માછીમારી કરી પરત આવી રહ્યા હતા. જેથી માછલી ખાલી કરવા ચંદ્રકાંત અને અન્ય લોકોએ જેટી પર જઈ રહ્યા હતા. ત્યારે આ કામના આરોપી યશવંત બારૈયાનું બરફ ભરેલું ટ્રેક્ટર રસ્તામાં આડું પડ્યું હતું.જે સાઈડમાં રાખવા માટે ચંદ્રકાંતે કહેતા યશવંત બારૈયા સહિતના આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ચંદ્રકાંત સાથે બોલાચાલી શરૂ કરી હતી.જેથી ચંદ્રકાંતના પુત્ર ચેતન શિયાળને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.અને મામલો વધુ વણસી ગયો હતો,જેમાં ચેતન શિયાળે રિવોલ્વર બતાવતા ઘટના લોહિયાળ બની ગઈ હતી,જેમાં ચેતન શિયાળ પર કુહાડી વડે હુમલો થતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી,અને ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો,અને તેની સોનાના ચેઈનની લુંટ પણ થઇ હોવાનું પોલીસ ફરિયાદમાં દર્જ કરવામાં આવ્યું હતું.
અમરેલીના જાફરાબાદની જેટી પર વાહન મુદ્દે સર્જાયેલી લોહિયાળ તકરારમાં પોલીસે ફરિયાદ નોંધી છે,અને આરોપીઓની ધરપકડ કરી હતી,આ ઘટના અંગે નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે ચેતન શિયાળાનો રિવોલ્વર બતાવતા વિડીયો અંગેની પોલીસ તપાસ કરી રહી છે,હાલ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે,અને ઘટના અંગેની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.