અમરેલીના બાબરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર મેળવવું હવે અરજદારોને સ્વપન સમાન લાગી રહયું છે. અરજદારો પણ હવે સરકારી કચેરીઓના ધકકા ખાઇને થાકી ગયાં છે.ગરીબ અને મધ્યમવર્ગના લોકોને પોતાનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાહત દરથી આવાસ આપવામાં આવે છે. અમરેલી જિલ્લાના બાબરામાં પણ આવાસ મેળવવા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોએ નસીબ અજમાવ્યું છે પણ તેમના નસીબમાં આવાસ ન હોય તેમ લાગી રહયું છે. હવે વાત કરીએ બાબરામાં રહેતા 60 વર્ષીય માનસિંગ ખડેવાલની... તેઓ એકલવાયું જીવન વ્યતિત કરી રહયાં છે અને તેમની આવકનું સાધન છે મજુરીકામ.રાત-દિવસ મહેનત કરવા છતાં તેઓ માત્ર એક ઝૂંપડુ જ બનાવી શકયાં છે. આ ઝુંપડુ પણ હવે ખંડેર બની ગયું છે. આવી જ પરિસ્થિતિમાં તેઓને માહિતી મળી કે નગર પાલિકાની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન બનાવી આપવામાં આવે છે.પરંતુ આજે 2 વર્ષ જેવો સમય થયો પરંતુ હજુ તો કોઈ ઠેકાણા નથી.મકાન માટે યોગ્ય હોવાથી સરકાર દ્વારા આ વૃદ્ધને મકાન અંગે સહાય ફાળવવા માટે ઓર્ડર પણ આપવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી કોઇ અધિકારીઓ પણ ફરકયા નથી ત્યારે ક્યારે મકાન બનશે તેની તેઓ રાહ જોઈ રહ્યા છે........
અન્ય એક વૃધ્ધ કાનજીભાઇ પણ આવાસ માટે રાહ જોઇ રહયાં છે. આખો દિવસ રેડિયો સાંભળી પોતાનું જીવન જીવવાની જૂની રૂઢિ વાળા આ વૃદ્ધ દરરોજ પોતાના કાગળીયાઓ લઈને કચેરીઓના ધક્કાઓ ખાઈ રહ્યા છે. તેઓ પાડોશીઓ અને આગેવાનોને પણ પોતાની વાત કહે છે.....ઓછું સાંભળે છે પણ પોતાની વાત લોકોને કહી દે છે અને મકાન ક્યારે બનશે તેને લઈને નગર પાલિકામાં ધક્કાઓ ખાઈ રહ્યા છે.......ધક્કાઓ છતાં તેમની વાત કોઈ સાંભળતું નથી અને તેમનું મકાનનું સ્વપ્ન હજુ પણ કાગળો પર જ છે..
અન્ય લોકોની પણ આવી જ હાલત છે લોકોએ અરજીઓ કરી હતી અને મકાન માટે લાયક હોવા છતાં તેમ છતા પણ મકાન મળ્યા નથી.બાબરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 153 જેટલી અરજીઓ પાલિકાને મળી છે. જેમાંથી ડોક્યુમેન્ટ ઘટતા હોવાથી કે અન્ય કારણોસર અરજીઓ કેન્સલ અથવા તો પેન્ડિંગ રાખવામાં આવી છે. તો બીજી બાજુ 30 થી 35 જેટલી અરજીઓ મંજુર કરવામાં આવી છે પરંતુ ઢીલી નીતિને કારણે હજુ સુધી કામ શરૂ થયું નથી.