Connect Gujarat
ગુજરાત

અમરેલી : સસ્તા ભાવે ચીજવસ્તુઓ મળવાની લાલચમાં લોકોને લાગ્યો લાખોનો ચૂનો, તામિલનાડુથી 2 શખ્સની ધરપકડ...

સાવરકુંડલા પોલીસે તામિલનાડુથી 21 વર્ષીય માફિયા જગન મહાલિંગન અને 42 વર્ષીય અરુણ રાજ ચેલૈયા નામના 2 ઈસમોને ઝડપી પાડયા

X

સાવરકુંડલાના નગરજનો લોભામણી લાલચમાં છેતરાયા

સસ્તા ભાવે ચીજવસ્તુઓ મળવાની અપાય હતી લાલચ

એડવાન્સ પૈસા ઉઘરાવી દુકાનદારો મોટી રકમ લઈ ફરાર

સાવરકુંડલા પોલીસ દ્વારા છેતરપિંડી મામલે તપાસ કરાય

2 આરોપીને તામિલનાડુથી ઝડપી કાર્યવાહી હાથ ધરાય

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના મહુવા રોડ પરની એક શોરૂમમાં લોકોને સસ્તા ભાવે ચીજ વસ્તુઓ આપવા સાથે એડવાન્સ પૈસા ઉઘરાવી દુકાનદારો મોટી રકમ લઈને નાસી ગયા હતા, ત્યારે સાવરકુંડલા પોલીસે આરોપીઓને તામિલનાડુથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલીના સાવરકુંડલા શહેરમાં થોડા દિવસો અગાઉ ગોલ્ડ સ્ટાર સપ્લાયર નામના શોરૂમમાં એલઇડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, મોબાઇલ, લેપટોપ, સોફાસેટ, ડાઇનિંગ ટેબલ, ડીનર સેટ, સ્ટીલના વાસણ, પ્લાસ્ટિક ફર્નિચર અને ઈલેક્ટ્રીક સામાન જેવી નવી ચીજ વસ્તુઓ 10%થી 45% સુધી ડિસ્કાઉન્ટમાં વેચાણ કરવાનું બુકિંગ ચાલુ કરવામાં આવ્યું હતું. જેનું લોકો પાસેથી એડવાન્સ પેમેન્ટ લઈ બુક કરાવેલ ગ્રાહકને આ ચીજ વસ્તુઓ 12 દિવસ પછી મંગાવી આપવાનું જણાવવામાં આવતું હતું, ત્યારે અનેક સસ્તી વસ્તુઓ લેવાના લોભમાં લોકોએ પોતાના પૈસા રોક્યા હતા.

પરંતુ 12 દિવસ પૂર્ણ થાય એ પહેલા જ આ શોરૂમવાળા રાતોરાત મોટી રકમ લઈને નાસી છૂટ્યા હતા. જે બાબતની સાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરિયાદો લખાવાય હતી. એક ફરિયાદીની રૂ. 84 હજારની ચીજ વસ્તુઓ તેમજ અન્ય ગ્રાહકોની 5 લાખથી વધુની વસ્તુઓ નહીં મળતા સાવરકુંડલા પોલીસમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનીકલ સોર્સના આધારે વધુ તપાસ હાથ ધરી હતી, ત્યારે આરોપીઓનું પગેરું તામિલનાડુ સુધી ભળ્યું હોવાનું પોલીસને માલૂમ પડ્યું હતું.

જેમાં સાવરકુંડલા પોલીસે તામિલનાડુથી 21 વર્ષીય માફિયા જગન મહાલિંગન અને 42 વર્ષીય અરુણ રાજ ચેલૈયા નામના 2 ઈસમોને ઝડપી લીધા છે. જોકે, મહત્વની વાત એ છે કે, જ્યારે આ શોરૂમ શરૂ થયો હતો, ત્યારે પોલીસ અને મીડિયા દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ સસ્તી વસ્તુ મેળવવાના લોભમાં અનેક લોકો છેતરાયા છે, ત્યારે હવે પોલીસ દ્વારા બન્ને આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

Next Story