અમરેલી જિલ્લામાં દિવાળીની રાત્રે જાણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલુ હોય તેવા દ્રશ્યો સામે આવે છે. યુવાનોના ગ્રૂપ દ્વારા સામસામે સળગતા ઇંગોરીય ફેંકવામાં આવે છે અને દિવાળીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.
સામાન્ય રીતે દિવાળીના પર્વ પર લોકો રાત્રિના ફટાકડા ફોડી પ્રકાશના પર્વની ઉજવણી કરે છે. પરંતુ, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લાં 70 વર્ષથી દિવાળીની જરા હટકે ઉજવણી કરવામાં આવે છે. દિવાળીની રાત પડતાં જ સાવરકુંડલાના અલગ અલગ ત્રણ વિસ્તારમાં યુવાનો એકઠા થાય છે અને સામસામે બે ગ્રુપમાં વહેંચાઈ જઈ એકબીજા પર સળગતાં ઈંગોરિયા ફેંકે છે. સાવરકુંડલામાં દિવાળીની રાત્રીએ ખેલાયેલા આ યુદ્ધને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા જોવા મળ્યા હતા. અકસ્માત કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો. આ પરંપરા 70 વર્ષથી ચાલી આવે છે. જો કે, હવે સાવરકુંડલાના નાવલી ચોક, રાઉન્ડ વિસ્તાર અને દેવળા ગેઈટ વિસ્તારમાં ઈંગોરિયા યુદ્ધ ખેલાય છે. આ વિસ્તારમાં બે યુવાનો સામસામે ગ્રુપમાં વહેંચાઈ જાય છે અને એકબીજા પર સળગતાં ઈંગોરિયા ફેંકે છે. દિવાળી પહેલાં એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરિયા શોધી વૃક્ષ પરથી તોડી એને સૂકવી દે છે. ત્યાર બાદ ઉપરથી છાલને છરી વડે કાઢી એમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસીઠાંસીને ભરવામાં આવે છે. ત્યાર બાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરી દેવાય છે અને એને સૂકવવામાં આવે છે. ત્યાર બાદ ઈંગોરિયું તૈયાર થઈ જાય. દિવાળીની રાત્રિએ આવાં હજારો તૈયાર થયેલાં ઈંગોરિયાના થેલા ભરી લડાયકો આગનું યુદ્ધ રમવા તૈયાર થઈ જાય છે.
આ ઈંગોરિયા યુદ્ધમાં કોઈ અણબનાવ ન બને તે માટે DYSP હરેશ વોરા સાવરકુંડલા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. સાથે નગરપાલિકાનું ફાયર ફાઇટર પણ રાખવામાં આવ્યું હતું. જરૂર પડે તો પાણીનો મારો પણ ચલાવી શકાય.