/connect-gujarat/media/post_banners/a10232af0a0d5d6de3c41eab57595949a8e7f8d7ef78b3be6eb80c0bc78ed14b.jpg)
અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, રહેણાંક વિસ્તારમાં વાહન ટકરાવવા જેવી નજીવી બાબતે મધુબેન જોશી આરોપીને ઠપકો આપવા ઘરે ગયા હતા. આ દરમિયાન આરોપીએ મધુબેન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જોકે, એમનો પુત્ર રવિ માતાને છોડાવવા વચ્ચે પડતા તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે. જોકે, સામાન્ય બાબતે થયેલી બોલાચાલી હત્યામાં પરિણમતા પોલીસ કાફલો દોડતો થયો છે. જેમાં મધુબેન જોશીની હત્યા ઉપરાંત તેમના એડવોકેટ પુત્ર ઉપર પણ જીવલેણ હુમલો થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આ અંગે અમરેલી જિલ્લા એસપી હિમકરસિંહએ જણાવ્યું હતું કે, વાહનો ટકરાવવા જેવી નજીવી બાબતે હત્યા થઈ છે. જે બાદ મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ લાવવામાં આવ્યો હતો. આ સાથે જ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મધુબેન જોશીની અંતિમ યાત્રા નીકળતા ભાજપના આગેવાનો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા.
તો બીજી તરફ, આ મામલે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરની પ્રક્રિયા સામે આવી છે. તેઓએ રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈને સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. દુષ્કર્મ, જાતીય સતામણી અને મહિલાઓની હત્યાના બનાવો સતત વધતાં રહે છે, ત્યારે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત ન હોવાનો તેઓએ રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યો છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, ભાજપના નેતાઓ પહેલા પોતાના મહિલા કાર્યકરોની સલામતી જાળવે. કારણ કે, ગુજરાતમાં ભાજપની સરકાર મહિલાઓની સુરક્ષામાં નિષ્ફળ નીવડી હોવાનું ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમ્મરે જણાવ્યુ હતું.