સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેર ખરીદીનો શુભારંભ કરાયો
અગાઉ મગફળી, અડદ અને સોયાબીનની કરાય હતી ખરીદી
સરકાર દ્વારા તુવેરનો 1600 જેટલો ટેકાનો ભાવ જાહેર કરાયો
જિલ્લાની માર્કેટિંગ યાર્ડો બહાર વાહનોની લાંબી કતારો લાગી
પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી
અમરેલી જીલ્લામાં સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદીનો શુભારંભ કરવામાં આવતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. અમરેલી જીલ્લામાં આજથી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થતા ખેડૂતો તુવેર લઈને યાર્ડના સેન્ટરો પર પહોંચ્યા હતા. સરકાર દ્વારા અગાઉ મગફળી, અડદ, સોયાબીનની ખરીદી કરાયા બાદ આજથી તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડમાં શ્રીફળ વધેરીને ખેડૂતોની તુવેર 1600 જેવો ટેકાનો ભાવ સરકારે જાહેર કર્યો હોય, ત્યારે પોષણક્ષમ ભાવ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે.
અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીમાં ખેડૂતોને 1300થી લઈને 1450 આસપાસના ભાવ મળતા હોય, ત્યારે સરકારનો ટેકાનો ભાવ 1600 જેવો હોય જેનાથી ખેડૂતોને 200થી 250 જેટલો ભાવ તુવેરમાં વધુ મળી રહ્યો છે. તો બીજી તરફ, સરકાર હજુ વધુ ખેત જણસો ટેકાના ભાવે ખરીદી કરી લે તેવી ખેડૂતોએ લાગણીઓ વ્યક્ત કરી છે. ટેકાના ભાવે તુવેર ખરીદીનો પ્રારંભ કરવામાં આવતા જિલ્લાની વિવિધ માર્કેટિંગ યાર્ડો બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.