Connect Gujarat
ગુજરાત

અમરેલી : બજાર કિંમત કરતા 45% ઓછા ભાવે ઘર વખરીના સામાનની લાલચ લોકોને ભારે પડી..!

મધ્યમ વર્ગના લોકો સસ્તામાં મોંઘી વસ્તુઓ ખરીદવાની લાલચમાં ફસાઈ એડવાન્સમાં રકમ આપી પોતાના ઘર માટે ઘરવખરીની વસ્તુઓ બુકિંગ કરાવી હતી.

X

સાવરકુંડલામાં ગોલ્ડસ્ટાર ફર્નિચર પેઢીએ આચરી છેતરપિંડી

સસ્તા ભાવે ફર્નિચરના લોકો પાસે ઉઘરાવી એડવાન્સ રકમ

ચેન્નાઇના વ્યક્તિઓ ફરાર થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ગોલ્ડસ્ટાર ફર્નિચર નામની પેઢીએ સસ્તા ભાવે ફર્નિચર સહિતના અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો વેચવાની શરૂઆત કરી હતી. આ સાથે જ લોકો પાસેથી એડવાન્સ પેટે રકમ ઉઘરાવી ચેન્નાઇના વ્યક્તિઓ ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતીમાં કહેવત છે કે, “લોભિયાના ગામમાં ધુતારા ભૂખ્યા ન મરે” આ કહેવત ખરા અર્થમાં સાર્થક થઈ હોય તો તે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં થઈ છે. સાવરકુંડલા શહેરમાં નવા બસ સ્ટેન્ડ સામે દોઢ-બે મહિના પહેલા ગોલ્ડસ્ટાર હોમેનીક સપ્લાયર્સ ઓર્ડર નામની દુકાન પેઢી શરૂ થઈ હતી, જ્યાં દરેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો ટીવી, ફ્રીઝ, એસી તેમજ સોફાસેટ અને વાસણ સહિતની વસ્તુઓ બજાર કિંમત કરતા 45 ટકા ઓછા ભાવે વેચવાની જાહેરાત થયા બાદ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સસ્તામાં મોંઘી વસ્તુઓ ખરીદવાની લાલચમાં ફસાઈ એડવાન્સમાં રકમ આપી પોતાના ઘર માટે ઘરવખરીની વસ્તુઓ બુકિંગ કરાવી હતી.

ત્યારબાદ બહુ ટૂંકા ગાળામાં શરૂ થયેલી ગોલ્ડ સ્ટાર પેઢીને અલીગઢી તાળા મારીને સંચાલકો ફરાર થઈ જતા પેઢી બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જ્યાં પોતાના સાથે છેતરપિંડી થયા હોવાનો વસવસો કરી રહ્યા હતા, જ્યારે સાવ ગરીબ લોકો જે ટકે ટકે પૈસા ભેગા કરીને પોતાની દિકરીઓ માટે કરિયાવર ભેગુ કરવાની લાલચમાં પણ ફસાઈને આંસુઓ સારતા જોવા મળ્યા હતા.

તો બીજી તરફ, સાવરકુંડલા શહેર સાથે આજુબાજુના ગામડા અને શહેરમાંથી પણ ગોલ્ડ સ્ટાર પેઢીની સ્કીમમાં જોડાયેલ વ્યક્તિઓ દ્વારા એડવાન્સમાં રકમ ચૂકવીને સસ્તું મેળવવાની લાલચમાં ભરાઈ ગયા હતા, ત્યારે હવે તેઓને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય તેમ હાલ આ બંધ દુકાન બહાર પોલીસ જોવા મળી રહી છે.

કોઈપણ આ સ્કીમમાં ભોગ બન્યા હોય તેની પોલીસ ફરિયાદ લેવા પોલીસ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. લોકો આવી સસ્તી વસ્તુ મેળવવાની લાલચમાં ન ફસાઈ તે અંગે પોલીસે અપીલ કરી હતી. ચેન્નાઇના ગણેશ અને ગોલ્ડ સ્ટાર પેઢીની ટોળકી વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાવવી કાર્યવાહી શરૂ કરી હોવાની વિગતો મળી રહી છે, ત્યારે આગામી દિવસોમાં આ ટોળકી પકડાઈ જશે કે, કેમ તેને લઈને ભોગ બનેલા વ્યક્તિઓ અવઢવ અનુભવી રહ્યા છે.

Next Story