અમરેલી: આ વર્ષે પણ કેરીનો પાક ઓછો ઉતરે એવા એંધાણ,જુઓ શું છે કારણ

અમરેલી જીલ્લામાં કેરીના પાકને લઈ ચિંતા, કેરીની પકવતા ખેડૂતોની માઠી દશા, આંબાના અડધા વૃક્ષમાં જ ફૂલ આવ્યા

New Update
અમરેલી: આ વર્ષે પણ કેરીનો પાક ઓછો ઉતરે એવા એંધાણ,જુઓ શું છે કારણ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં આંબાના બગીચા કરીને ખેતી કરતા ખેડૂતોની માઠી દશા બેઠી હોય અને આંબાના વૃક્ષોને ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ ઘડાયો હોવાની પ્રતીતિથી આંબાની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે.

આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા મથકમાં આંબાની ખેતી કરતા ખેડૂતોના વૃક્ષોની સ્થિતિ...આંબાના વૃક્ષો પર લુમ્બે ને જુમ્બે મોર ફાલ આવી રહ્યો હોય તેવું વૃક્ષો પરથી જણાઈ રહ્યું છે પણ એક જ આંબાના વૃક્ષ પરથી એક સાઈડમાં ફાલ આવી ગયો છે તો એ જ વૃક્ષમાં અડધા ભાગમાં આંબાના વૃક્ષો ફાલ વિનાના અડીખમ ઊભા છે કેરીનો પાક પકવીને આંબાવાડી બનાવતા ખેડૂતો સાવરકુંડલા પંથકમાં હેરાન પરેશાન થયા હોય તેવું આંબાના વૃક્ષો પરથી જોવા મળી રહ્યું છે.તાઉતે વાવાઝોડા વીત્યાના બીજા વર્ષમાં કેસર કેરીના શોખીનોનો આ વખતે કેસર કેરીનો સ્વાદ અધૂરો રહેવાની અટકળો પણ આંબાના વૃક્ષો પરથી જોવા મળી રહી છે.વાર્ષિક કમાણી આંબાની ખેતી પર હોય અને કેરી પકવીને આખા વર્ષની કમાણી કરતા ખેડૂતોને ગયા વર્ષે તાઉતે વાવાઝોડાની અસરથી મોટાભાગના આંબાના વૃક્ષોનો સોથ બોલી ગયેલ પરંતુ જે બચી ગયેલા આંબાઓ છે તેને ઉભા કરીને આ વર્ષે સરભર કરવાની ગણતરી ખેડૂતોની ઉલટી પડે તેવા સમીકરણો આ જાન્યુઆરી માસમાં જોવા મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.

અમરેલી બાગાયત વિભાગ દ્વારા અમરેલી જિલ્લાના કેસર કેરી ધારી ગીર, ખાંભા ગીર, રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા પંથક પીઠું હોય પરંતુ સાવરકુંડલા પંથકમાં જ અમુક જગ્યાએ આવી સ્થિતિનું નિર્માણ થયું હોય પરંતુ ધારી રાજુલા ખાંભા વિસ્તારમાં આવરણ કેરીના પાકમાં સારું આવે તેવું બાગાયત અધિકારી જણાવી રહ્યા છે અને અમરેલી જિલ્લામાં 10 હજાર હેકટરમાં આંબાની ખેતી ખેડૂતો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

કેરીના પાક પર આખું વર્ષ કમાણીનો દારોમદાર રાખનાર ખેડૂતોને સાવરકુંડલા પંથકમાં આંબાના વૃક્ષોની સ્થિતિ જોઈને કેરીના પાકની ખેતી છોડી અન્ય ખેતી તરફ વળે તેવા સમીકરણો હાલ સર્જાતા સરકાર દ્વારા કેરીના પાકની ખેતી કરતાં ખેડૂતોની આ સમસ્યા અંગે તજજ્ઞો દ્વારા નિરાકરણ લાવે તો આંબાની કેસર કેરીની ખેતી કરતા ખેડૂતોને માટે આશીર્વાદરૂપ ગણાશે.

Latest Stories