રાજ્યભરમાં કમોસમી વરસાદથી ખેડૂતોની કમર ભાંગી
ફતેગઢના ખેડૂતે ડુંગળીના પાક પર ફેરવ્યું રોટાવેટર
પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતે નિર્ણય લેવો પડ્યો
1 વિઘે 40 હજાર ખર્ચ છતાં ડુંગળીનો સારો ભાવ ન મળ્યો
પાક નષ્ટ કરવા સાથે ખેડૂતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની કમર ભાંગી પડી છે. પોષણક્ષમ ભાવ ન મળતા ધારી તાલુકાના ફતેગઢ ગામના ખેડૂતે ડુંગળી પર રોટાવેટર ફેરવી પાકનો નાશ કર્યો હતો.
સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. તેવામાં ધારી તાલુકાના ફતેગઢ ગામના ખેડૂતે પોતાના 5 વીઘા ખેતરમાં રોટાવેટર ચલાવી ડુંગળીના ઊભા પાકને નષ્ટ કર્યો છે. બજારમાં ડુંગળીના ભાવ ગગડી ગયા હોવાથી તેમજ ખેતી ખર્ચ વધુ હોવાથી ખેડૂતને આ પગલું ભરવાની ફરજ પડી હતી.
ખેડૂતે જણાવ્યું હતું કે, ડુંગળીના વાવેતરથી લઈને દવા છંટકાવ, મજૂરી અને યોગ્ય માવજતમાં ઘણો ખર્ચ થાય છે. હાલમાં એક વીઘા દીઠ ડુંગળીની ખેતીમાં અંદાજે રૂ. 30 હજારથી રૂ. 40 હજાર જેટલો ખર્ચ આવે છે. તો બીજી તરફ, કમોસમી વરસાદના કારણે ડુંગળીની ઉપજ ઓછી થવાની શક્યતાઓ પણ નહિવત્ છે, ત્યારે ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા તેમજ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાનને લઈને ખેડૂતે આ નિર્ણય લીધો હતો.