Connect Gujarat
ગુજરાત

અમરેલી : કાકાની દુકાનમાં રૂ. 8 હજારના પગારદાર ભત્રીજાને રૂ. 7 કરોડના ટ્રાન્જેક્શન સામે ઇન્કમ ટેક્સનું તેડું !

સરકાર દ્વારા અનેક જાગૃતતા દાખવવા છતાં લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે.

X

સરકાર દ્વારા અનેક જાગૃતતા દાખવવા છતાં લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે. હજારો, લાખો નહીં પણ કરોડો રૂપિયાની છેતરપીંડીનો ભોગ બન્યાનો કિસ્સો અમરેલીમાંથી સામે આવ્યો છે. વાસણની દુકાનમાં કામ કરતા યુવાનના આઇ.ડી. પ્રૂફ અને GST નંબર મેળવી કરોડો રૂપિયાનું ટ્રાંજેક્સન થયું છે, ત્યારે હાલ તો ભોગ બનનાર યુવાન ન્યાય માટે સરકારી કચેરીઓમાં ધર્મના ધક્કા ખાઈ રહ્યો છે.

આ છે અમરેલીના રાજકમલ ચોકમાં આવેલ પી.સી.સ્ટીલ સેન્ટર. પી.સી.સ્ટીલ સેન્ટરમાં નોકરી કરતા ચંદ્રેશ સંઘવી 8થી 10 હજારમાં પોતાના કાકાની વાસણની દુકાનમાં નોકરી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. પણ એકાદ મહિના પહેલા ચંદ્રેશ સંઘવીના કાકાના મોબાઈલમાં ઈનકમ ટેક્સ વિભાગનો મેસેજ આવ્યો, જે જોતાં જ યુવાનના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. યુવાનના કાકાના મોબાઈલમાં ઈનકમ ટેક્સ વિભાગના પોર્ટલ પરથી AIS નામનું ફોર્મ ડાઉનલોડ કરીને એડવાન્સ ટેક્ષ પેટે રકમ ભરવા જણાવાયું હતો. જેમાં 7 કરોડ, 89 લાખ, 44 હજાર 306 રૂપિયાનું ચંદ્રેશ સંઘવી દ્વારા વેચાણ કરવામાં આવ્યું હોવાનું બતાવતા યુવાનની આંખો ચાર થઈ ગઈ હતી. ચંદ્રેશ સંઘવી માત્ર વાસણની દુકાનમાં કામ કરે છે, જ્યારે તેના કાકા વાસણનો નાનો વેપાર ધરાવે છે. તેઓએ ક્યારેય ઇન્કમ ટેક્ષ પણ ભર્યો ન હોય નીલ ઈનકમ ટેક્સ આવતો હોય, ત્યારે આ આવડું મોટું ટ્રાંજેક્સન ક્યાં અને કોણે કર્યું તે અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે, મહારાષ્ટ્ર, તમિલનાડું અને ગુજરાતમાં 7 જગ્યાએ કોઈ અજાણ્યા ઇસમો દ્વારા જુદા જુદા GST નંબર ચદ્રેશ સંઘવીના આઇ. ડી. પ્રૂફના આધારે ટ્રાંજેક્સન કરવામાં આવ્યું છે. જેમાંથી હાલ 5 ઈન એક્ટિવ અને 2 એક્ટિવ બતાવી રહ્યા હોય, ત્યારે ચંદ્રેશ સંઘવી દ્વારા અમરેલી GST કચેરી, ભાવનગર GST કમિશ્નર, અમરેલી સિટી પોલીસ, સાયબર પોલીસ સહિતના વિભાગોમાં રૂબરૂ જઇને ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. જેના કારણે યુવાન ચંદ્રેશ સંઘવી ભાંગી પડ્યો હતો

જોકે, આધારકાર્ડ અને પાનકાર્ડમાં મોબાઈલ નંબર ફેરવીને ખોટી કંપનીઓ ઊભી કરી પેઢીના માલિક ચંદ્રેશ સંઘવીને બતાવીને કરોડો રૂપિયાના GSTનું કૌભાંડ કરીને સરકારની આંખમાં ધૂળ નાખવાનું કાવતરું કોઈ અજાણ્યા શખ્સોએ કર્યું હોવાનું પ્રથમ દ્વષ્ટિએ જણાતા ચંદ્રેશ સંઘવી નામનો યુવક છેક મુંબઈ GST કચેરી સુધી ધક્કા ખાઈ આવ્યો છે. પરંતુ કોઈ GST ફ્રોડનો ભોગ બનેલા યુવકનું સાંભળતું નથી, ત્યારે આવડી મોટી કરોડો રૂપિયાની રકમના ટ્રાંજેક્સન અંગે યુવક હજુ ગડમથલ અનુભવી રહ્યો છે, ત્યારે વાસણની દુકાનના માલિક દ્વારા સમગ્ર GST નંબર ફ્રોડ રીતે મેળવીને GST રકમની ચોરી કરીને સરકારની આંખોમાં ધૂળ નાખનારા તત્વો અંગે આઈ.ડી. પ્રૂફના આધારે ટ્રુ-કોલરમાં ફ્રોડ કરેલા કાળા કામ કરનારના ફોટો સાથેના પ્રૂફ પોલીસ અને GST વિભાગને આપવા છતાં હજી સુધી કોઈ નક્કર કામગીરી એકપણ તંત્રએ ન કરી હોવાનો વસવસો વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Next Story