પુરુષોત્તમ રૂપાલાના P.A.ની ખોટી ઓળખ આપવાનો મામલો
નકલી PA દ્વારા માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીને અપાય ધમકી
પોલીસે નકલી PAની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી
અમરેલી જિલ્લાના ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના PAની ખોટી ઓળખ આપીને પ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીને ધાકધમકી આપવાના મામલે પોલીસે નકલી PAની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નકલી સરકારી અધિકારી બનવાનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ નકલી સરકારી કચેરીઓ બની જતી હોય છે. તેમ હવે કેન્દ્રીય મંત્રીના નકલી PA તરીકેની ઓળખ આપી ધાકધમકી આપનારાઓ પણ સામે આવ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના પ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટી અને પ્રસિદ્ધ લોક સાહિત્યકાર મનસુખ વસોયાને 2 દિવસ પહેલા મોબાઈલ કોલમાં ધમકી ભર્યા સ્વરમાં એક પાગલ પુરુષને માનવ મંદિર આશ્રમમાં રાખવા માટે કોલ આવ્યો હતો. જોકે, કોલ કરનાર આ શખ્સ ગારિયાધાર તાલુકાના પરવડી ગામનો ભાવેશ જગદીશ ગોયાણી હોવાનું સામે આવ્યું છે.
આ વાત આટલેથી જ નહીં અટકાતા, ભાવેશ ગોયાણીએ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના PAની ખોટી ઓળખ આપી પ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીને ધાકધમકી આપી હતી, ત્યારે કેન્દ્રીય મંત્રીના PAના નામે ધાકધમકી આપવાના મામલે પોલીસે ભાવેશ ગોયાણીને જેલ ભેગો કરી દીધો છે. જોકે, આ શખ્સે અન્ય કોઈને કેન્દ્રીય મંત્રીના PAની ઓળખ આપી કોઈ કૃત્ય કર્યું છે કે, નહીં તે દિશામાં હાલ તો પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી છે.