Connect Gujarat
ગુજરાત

અમરેલી : અણધારી આકાશી આફતે ખેડૂતોને રોવડાવ્યા, ખેતીપાકો તહસનહસ થઈ જતાં હાલત કફોડી..!

કમોસમી માવઠાના મારથી ખેડૂતને પછડાટ મળી છે, જ્યારે મોટાભાગના ખેતીપાકોને નુકશાની થઈ છે

X

અમરેલી જીલ્લામાં વરસ્યો હતો ભારે કમોસમી વરસાદ

ઘઉં, ધાણા, જીરું, કઠોળ સહિત ડુંગળીના પાકને નુકશાન

ખેતીપાકો તહસનહસ થઈ જતાં ખેડૂતોની હાલત કફોડી

અમરેલી જિલ્લામાં ગતરોજ વરસેલા કમોસમી વરસાદના કાળા કહેરથી જગતના તાતને વ્યાપકપણે નુકશાનીઓ થઈ છે. કમોસમી વરસાદે ઘઉં, ધાણા, જીરું, કઠોળ સાથે ડુંગળીના પાકને તહસનહસ કરી નાખતા ધારી ગીર પંથકના ખેડૂતોની દશા કફોડી થવા પામી છે.

આ છે અમરેલી જિલ્લાના ધારી ગીર તાલુકાનું હરીપરા ગામ. ખેતી આધારિત હરીપરા ગામમાં ખેડૂતોએ ઘઉ, ધાણા, જીરું, કઠોળ અને ડુંગળી જેવા પાકોના વાવેતર કર્યા બાદ ગતરોજ ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. ખેતી પાકો નષ્ટ થઇ ગયા છે, જેના કારણે જગતના તાતની મુશ્કેલીઓ વધવા પામી છે. હજુ ચોમાસામાં પાછોતરા વરસાદથી ખેતીપાકોમાં પોષણક્ષમ ભાવો સાથે પૂરતી ઉપજ ન આવેલા ખેડૂતોને રવિપાકમાં લાભ મળવાની આશાઓ ઠગારી નીવડી હોય તેમ કમોસમી માવઠાના મારથી ખેડૂતો આકુળ વ્યાકુળ થયા છે.

જોકે, કમોસમી માવઠાના મારથી ખેડૂતને પછડાટ મળી છે, જ્યારે મોટાભાગના ખેતીપાકોને નુકશાની થઈ છે, ત્યારે હવે ખેડૂતોને નવું વાવેતર કરવું કે, આ વાવેતરમાં જ રોડવવું તે એક યક્ષ પ્રશ્ન ઊભો થયો છે. વરસાદના આગલા દિવસે દવાઓના છટકાવ કર્યો હતો, ને બીજા દિવસે ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે.

ખેતીપ્રધાન દેશમાં ખેતી કરી દિવસ-રાત કાળી મજૂરી થકી ખેત પેદાશો ઉત્પન્ન કરતા જગતના તાત પર અણધારી આફત આકાશમાંથી ઉતરી આવતા ખેતીપાકો નષ્ટ થયા છે, ત્યારે આવા ખેડૂતોનો સર્વે કરીને જગતના તાતની નુકશાનીમાં સહાયનું થાબડભાણું સરકાર આપશે કે, કેમ તે તો આવનારો સમય જ બતાવશે...

Next Story