અમરેલી : કમોસમી માવઠાએ સાવરકુંડલા અને ધારીમાં વાળ્યો પાકનો સોથ, ખેડૂતોને મોટું નુકશાન...

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત 2 દિવસ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી છે.

New Update
અમરેલી : કમોસમી માવઠાએ સાવરકુંડલા અને ધારીમાં વાળ્યો પાકનો સોથ, ખેડૂતોને મોટું નુકશાન...

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત 2 દિવસ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી છે. ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના મહામુલા પાકનો સોથ વળી ગયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગત શનિવારે અને રવિવારે એમ બે દિવસ સુધી અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રાટકેલા કમોસમી વરસાદ ખેડૂતોના મહામુલા પાક માટે ધાતક સાબિત થયો છે. ધારીના સુખપુર, કાંગસા, ગોવિંદપુર અને કુબડા સહિતના ગામોમાં કમોસમી વરસાદના કારણે ખેતી પેદાશોને ભારે નુકશાન પહોચ્યું છે. આવી જ સ્થિતિ સાવરકુંડલાના ધજડી, સાકરપરા અને બાઢડા ગામના ખેડૂતોની થઈ છે, જ્યાં ઘઉં, ચણા, એરંડા અને ધાણાના તૈયાર પાકને નુકશાન થયું છે. આ વિસ્તારના ખેડૂતો માટે હવે દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો જૂટવાઈ ગયો હોવાની પ્રતીતિ જગતના તાત કરી રહ્યા છે.

જોકે, ધારી-ગીર, ખાંભા-ગીર અને સાવરકુંડલા સહિતના ગામ્ય વિસ્તારોમાં ગતરોજ બપોર બાદ ધોધમાર વરસાદ પડવાથી રવિપાકને ભારે નુકશાન પહોંચ્યું હતું. તો બીજી તરફ, ધજડી ગામના ખેડૂતોના માથે પણ અચાનક વરસાદરૂપિ મોટી આફત આવી હતી. ખેડૂતોએ શિયાળુ ચણા, જીરું અને ઘઉંના પાકનું વાવેતર કર્યું હતું, ત્યારે હવે કમોસમી માવઠાથી શિયાળુ પાકને નુકશાન પહોચ્યું છે. આ સાથે જ પશુઓ માટેનો ઘાસચારો પણ પાણીમાં નાશ પામ્યો છે. સાવરકુંડલા અને ખાંભા તાલુકા ખેડૂતોને રવીપાક પર થોડી આશા હતી. પરંતુ કમોસમી માવઠું જાણે કહેર બની આવ્યું હોય તેમ ખેડૂતના રાવીપાકમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

સાવરકુંડલા, ખાંભા અને ધારી પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેતી પાકને જે નુકસાન થયું છે, તેમાં ખેડૂતોને બેવડો માર પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો અડધો પાક નાશ પામ્યો છે, અને જે અડધો પાક બચ્યો છે તે પલળી ગયો છે. જેના કારણે તેની ગુણવત્તા પણ ઓછી થઈ ગઈ છે. પરીણામે ખેડૂતોને તેના પુરતા ભાવ નહીં મળે. આવા સંજોગોમાં ખેડૂતો હવે લાચારી અનુભવી રહ્યા છે. અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી હજુ પણ યથાવત છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને ખેતીમાં થયેલી નુકશાની સામે સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Latest Stories