અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખાખરીયાથી કરીયાણા જવાના માર્ગ પર આવેલ કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ જતાં સંપર્ક વિહોણા બનેલા ગ્રામજનો દ્વારા તંત્ર સામે અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખાખરીયા ગામથી કરીયાણા ગામ જવાના માર્ગ પર કાળુભાર નદી પર કોઝ-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ પંથકમાં વરસેલા ભારે વરસાદના કારણે આ કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે.
તો બીજી તરફ, સંપર્ક વિહોણા બનેલા ગ્રામજનો, શાળાએ જતાં વિદ્યાર્થીઓ સહિત ખેડૂતો જીવના જોખમે કોઝ-વે પરથી પસાર થવા મજબૂર બન્યા છે, ત્યારે તંત્ર દ્વારા બન્ને ગામને જોડતો કોઝ-વે ઊંચો બનાવવામાં આવે તે માટે ગ્રામજનો દ્વારા નવતર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિકોએ પાણીના વહેતા પ્રવાહ વચ્ચે જઈ રામધૂન બોલાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.