Connect Gujarat
ગુજરાત

છેલ્લા 6 વર્ષથી ગોકળ ગતિએ ચાલતું અમરેલીના નવા એસટી. બસ સ્ટેન્ડનું કામ, સગવડતાના અભાવે મુસાફરોને હાલાકી..!

ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના અમરેલીમાં છેલ્લા 6 વર્ષથી નવા એસટી. બસ સ્ટેન્ડનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે

X

ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના અમરેલીમાં છેલ્લા 6 વર્ષથી નવા એસટી. બસ સ્ટેન્ડનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, ત્યારે એસટી. બસ સ્ટેન્ડ ખાતે સગવડતાના અભાવે મુસાફરો અને અમરેલીવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

અમરેલી શહેર જિલ્લાનું વડું મથક છે, અને અમરેલી સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ જોડાય છે, ત્યારે અમરેલી બસ સ્ટોપથી હજારો મુસાફરો અવર જવર કરે છે. વળી અમરેલી જિલ્લાના ગામે ગામથી લોકો સુરત, અમદાવાદ, મુંબઈ જેવા શહેરોમાં ધંધાર્થે વસવાટ કરે છે. સાથે સાથે ખાનગી બસોના ભાડા પણ આસમાને ચડ્યા છે. માટે સ્વાભાવિક છે કે, અહીથી હજારો લોકો સરકારી બસમાં મુસાફરી કરવા ઈચ્છતા હોય છે, ત્યારે 5-6 વર્ષ કરતા પણ વધારે સમય વીતી જવા છતાં અમરેલી બસ સ્ટેન્ડ હજુ તૈયાર થયું નથી, અને હજારો મુસાફરો બસ સ્ટેન્ડની પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત ધૂળિયા બસ સ્ટેન્ડમાં ઉભા રહેવા લોકો મજબૂર છે. પી.પી.પી. ધોરણે બની રહેલા આ બસ સ્ટેશનની તૈયાર થવાની તારીખ પણ વીતી ગઈ છે, ત્યારે પ્રશાસન દ્વારા કોન્ટ્રાક્ટરને કોઈ નોટિસ પાઠવવામાં આવી છે, કે કેમ તે પણ એક સવાલ છે.

જોકે, સ્થાનીક દ્વારા સાંસદની હૈયા વરાળને ટેકો આપીને માર્મિક ટકોર ભાજપ સામે કરી હતી. ડબલ એન્જિન ની સરકાર છે, છતાં પણ અમરેલી જિલ્લો વિકાસની દૃષ્ટિએ પછાત છે તેવું સામે આવ્યું છે, ત્યારે અમરેલીમાં નવનિર્માણ બસ સ્ટોપના લોકાર્પણ અંગે કોઈ સમય નથી મળી રહ્યો. રાજ્ય સરકાર ઉપર ઠીકરું ફોડતા સાંસદે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ રાજ્ય સરકારનો છે, માટે મુખ્યમંત્રી અને ધારાસભ્યને જાણ કરી બને તેટલું ઝડપથી કામ પૂર્ણ કરી શક્ય તેટલું વહેલું લોકાર્પણ થાય અને લોકોનો આ પ્રશ્ન હલ થાય તેવું જણાવ્યું હતું.

અમરેલીના સાંસદ નારણ કાછડીયાના નિવેદન બાદ અમરેલી ડેપો મેનેજરે વિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, લગભગ 98 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે, અને કદાચ એકાદ મહિનામાં અમરેલીનું નવું બસ સ્ટેશન બનીને તૈયાર થઈ જશે. ગાંધીના કહેવતા ગુજરાત અને પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના અમરેલીમાં છેલા 5-6 વર્ષથી ગોકળ ગાયની ગતિએ નિર્માણધિન એસટી. બસ સ્ટેન્ડ કોન્ટ્રાકટર અને એસટી. નિગમની મિલીભગતના કારણે મંદ ગતિએ કામગીરીઓ થઈ રહી છે, ત્યારે હવે આ ધૂળિયા બસ સ્ટેન્ડમાંથી લોકોને ક્યારે છુટકારો મળશે તેના પર મીટ માંડીને બેઠા છે.

Next Story