ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આયોજિત મેસર્સ ભરૂચ એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, પાનોલી સહિત ઝઘડીયા જીઆઇડીસીના ઉદ્યોગો સામે ઘન કચરાના નિકાલ માટેનો યક્ષ પ્રશ્ન હતો. તેવા સમયે બેઈલ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં દેશની સૌપ્રથમ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સાઈટ હતી.
ત્યારબાદ તબક્કાવાર 3 ફેઇઝની લેન્ડ ફિલ્ડ સાઇટનું વિસ્તરણ થયું હતું. તા. 8 જુલાઈના રોજ બેઈલ કંપનીની અલાયદી નવી લેન્ડ ફિલ્ડ સાઇટ માટે પર્યાવરણીય લોક સુનાવણી ભરૂચ જિલ્લાના અધિક કલેકટર જે.ડી.પટેલ તેમજ જીપીસીબી અંકલેશ્વરના રીજ્યોનલ ઓફિસર વી.ડી.રાખોલિયાની અધ્યક્ષતામાં યોજાય હતી. આ પર્યાવરણીય સુનાવણીમાં સુચિત પ્રોજેક્ટ સાઈટના 10 કિમીની ત્રિજ્યામાં આવતા ગામોના પ્રતિનિધિઓ, ગ્રામજનો, પર્યાવરણ પ્રેમીઓ, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.