/connect-gujarat/media/post_banners/d9da16427c56ab1eba910ee5ce74db6574b55eec5ef2cfebc92a3f04563c40a2.jpg)
ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર અરવલ્લી-રતનપુર ચેકપોસ્ટ નજીક જીપ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં 9 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે 10થી વધુ લોકોને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર અરવલ્લી નજીક રતનપુર ચેકપોસ્ટ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ઘટના સ્થળે જ 9 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 10થી વધુ લોકોને ગંભીર ઇજા પહોચી હતી, ત્યારે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બીછીવાડાની સરકારી હોસ્પિટલ તથા શામળાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થયા હતા. તો બીજી તરફ, બાનાવની જાણ થતાં જ રાજસ્થાન અને ગુજરાતનો પોલીસ કાફલો તેમજ એમ્બ્યુલન્સો પણ દોડતી થઈ હતી. આ ઘટનામાં જીપની બ્રેકમાં ટેક્નિકલ ખામી સર્જાતા આગળ જઈ રહેલી ટ્રક પાછળ જીપ ઘૂસી જતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. તો બીજી તરફ, જાણવા મળ્યું છે કે, 8-10 મુસાફરોની કેપેસિટી ધરાવતી જીપમાં 19 લોકો સવાર હતા. આ ઘટના ગુજરાત સરહદથી માત્ર કેટલાક મીટરના અંતરે રાજસ્થાનની હદમાં સર્જાય હોવાનું જાણવા મળ્યું છે.