Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ વાર સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે શરૂ કરાય "સુપર-30" બેચ

અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જ્યાં વિવિધ સરકારી શાળાઓમાં સુપર થર્ટી બેચ શરૂ કરવામાં આવી છે

X

અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જ્યાં વિવિધ સરકારી શાળાઓમાં સુપર થર્ટી બેચ શરૂ કરવામાં આવી છે, ત્યારે સમગ્ર રાજ્યમાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ હોવાનું પણ અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે જણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં શિક્ષણની 6 જેટલી નવીન યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકીની એક મહત્વની યોજના ડો. સર્વપલ્લી રાધકૃષ્ણન્ સુપર થર્ટી બેચ છે. આ યોજના અંતર્ગત જિલ્લાના તમામ 6 તાલુકામાં ધોરણ 6ના 30 વિદ્યાર્થીઓને અલગ અલગ સરકારી પ્રાથમિક શાળામાંથી પસંદ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓને પ્રિ-સ્કોલરશીપ, નવોદય પ્રવેશ પરીક્ષા તેમજ ભવિષ્યમાં ઉપયોગમાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓને દર શનિવાર અને રવિવારે 3 કલાક એક્સપર્ટ શિક્ષકો દ્વારા તાલિમ આપવાનું આયોજન કરવામા આવ્યું છે. સુપર થર્ટીની પ્રથમ બેચ મોડાસાની સરકારી પ્રાથમિક શાળા નંબર-2 ખાતેથી કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતા પટેલના હસ્તે આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમીર પટેલ તેમજ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, સમગ્ર રાજ્યમાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ હોવાનું પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે જણાવ્યું હતું.

Next Story