Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : મોડાસાની સરકારી એન્જિ. કોલેજમાં સફાઈ કામદારોએ ભજન-કીર્તન કરી નોંધાવ્યો વિરોધ...

અરવલ્લી જિલ્લામાં લઘુત્તમ વેતનના પરિપત્રની હજુ સુધી અમલવારી ક્યાંક થઈ છે, તો ક્યાંક ન થઈ હોય તેવું લાગી રહ્યું છે.

X

અરવલ્લી જિલ્લાના મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સફાઈ કામદારોએ પોતાના પડતર પ્રશ્નોને લઈ ભજન કીર્તનનો કાર્યક્રમ યોજી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.

અરવલ્લી જિલ્લામાં લઘુત્તમ વેતનના પરિપત્રની હજુ સુધી અમલવારી ક્યાંક થઈ છે, તો ક્યાંક ન થઈ હોય તેવું લાગી રહ્યું છે. આવું જ એક ઉદાહરણ મોડાસા ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં જોવા મળ્યું છે. છેલ્લા 3 દિવસ કરતાં વધારે સમયથી પડતર પ્રશ્નોને લઈને સફાઈ કામદારો વિરોધ કરી રહ્યા છે, ત્યારે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં યુનિવર્સિટીની પરીક્ષા વચ્ચે સફાઈ કામદારોએ ભજન-કીર્તન સાથે કોન્ટ્રાક્ટર અને આચાર્યના કાન ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું છે કે, સરકાર દ્વારા લઘુત્તમ વેતનનો પરિપત્ર જાહેર કર્યો છે, તેની અમલવારી કરવામાં તંત્ર પાછું પડતું હોય તેવું લાગે છે.

જોકે, સરકારી એન્જિનિયરિંગ કૉલેજમાં શાંતિપૂર્ણ વિરોધ કરવા માટે જતાં સફાઈ કામદારોને પ્રવેશ કરતા અટકાવાયા હતા, ત્યારે સફાઈ કામદારોએ 2 હાથજોડી પ્રવેશ કરતા બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સરકારી એન્જિનિયરિંગ કૉલેજમાં કામ કરતા સફાઈ કામદારોનું કહેવું છે કે, પહેલા 8 કલાક કામ કરતા હતા, જેની સામે હવે માત્ર 4 કલાક કરી દેવાયા છે. એટલું જ નહીં, પગાર પણ ઓછો કરી દેવાયો છે. તો બીજી તરફ, સરકારી એન્જિનિયરિંગ કોલેજમાંથી પરિક્ષાએ આપીને બહાર આવતા વિદ્યાર્થીઓ પણ અચરજમાં મુકાયા હતા, ત્યારે હવે સફાઈ કામદારોની પગાર વધારા સહિતની માંગણીઓ ક્યારે સંતોષાય છે તે જોવું રહ્યું.

Next Story