/connect-gujarat/media/post_banners/e059c2c586d292e36d4f7ef4304f884671884e61c42e09b3b2d1e903170bee6b.jpg)
અરવલ્લી જિલ્લાના શામળાજીના ધંબોડીયા ગામે ગોગા મહારાજના મંદિરે ચોરી કરવા આવેલ 2 તસ્કરો પૈકી એક તસ્કરને લોકોએ પકડી પાડ્યો હતો, જ્યારે CCTV ફૂટેજના આધારે પોલીસે અન્ય તસ્કરને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. અરવલ્લી જિલ્લામાં તસ્કરો જાણે બેખૌફ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ઘરફોડ સહિત ગુન્હાકૃત્યોને અંજામ આપી તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે, ત્યારે ગત રાત્રીએ શામળાજી નજીક આવેલા ધંબોડીયા ગામે તસ્કરો ત્રાટક્યા હતા, જ્યાં ગોગા મહારાજના મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા.
તસ્કરો જ્યારે ચોરીને અંજામ આપી રહ્યા હતા તે દરમિયાન ગામનો એક યુવક જાગી જતાં તેણે તસ્કરોને પકડવાનો પ્રયાસ કરતા તસ્કરોએ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જોકે, યુવકની સમય સૂચકતાથી યુવક ઈજાઓથી બચી ગયો હતો. બૂમાબૂમ થતાં આસપાસના લોકોએ દોડી આવી એક તસ્કરને ઝડપી લઈ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ તસ્કરને શામળાજી પોલીસને હવાલે કર્યો હતો. ભૂતકાળમાં પણ આ મંદિરમાં ચોરીની ઘટનાઓ બનવા પામી છે, ત્યારે વધુ એકવાર તસ્કરો દ્વારા મંદિરમાં ચોરીનો પ્રયાસ થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.