/connect-gujarat/media/post_banners/d93fd81a1c3940d37c7ae16f42dd93fd9c5da24c128b6c62f494de5238372c22.jpg)
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મદાપુરથી રખિયાલ સુધી 5 કિલોમીટરનો ડામર રોડ બિસ્માર બનતા 10 જેટલા ગામોના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. “રોડ નહીં, તો વોટ નહીં”ના સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનોએ રામધૂન બોલાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મદાપુરથી રખિયાલને જોડતો 5 કિમીનો ડામર રોડ છેલ્લા કેટલાય સમયથી બિસમાર હાલતમાં આવી ગયો છે. આ બિસ્માર માર્ગ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હોવાથી ખેડૂતો વાહનચાલકોઅને સ્થાનિક ગ્રામજનો તોબા પોકારી ઉઠ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, સત્તાવાળાઓ અને વહીવટી તંત્ર સમક્ષ વારંવાર રસ્તા બાબતે રજૂઆત કરવા છતાં પણ સમસ્યા દૂર ન થતાં આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મદાપુરથી રખિયાલને 10 ગામડાને જોડતો આ રસ્તો 7 વર્ષ પહેલા ડામરથી પાકો કરાયો હતો, અને છેલ્લા 3 વર્ષથી માર્ગ બિસ્માર બનતાં રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે, અને રસ્તો નહી પણ કપચી જ દેખાય છે. પરિણામે વારંવાર નાના મોટા અકસ્માતોનો લોકો ભોગ બની રહ્યા છે. ગ્રામજનો દ્વારા વારંવાર બાંધકામ વિભાગ અને સત્તાવાળાઓને રજૂઆત કરવા છતાં કોઈ સમારકામ કામ કે, નવીન રોડ ન બનાવતા આખરે કેશરપુરા, મોહનપુરા કંપા, રખિયાલ, ભચડિયા, જાલમપુર ગામના ગ્રામજનો આ રસ્તા પર બેસી રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.