/connect-gujarat/media/media_files/2025/11/14/pandit-jawaharlal-nehru-2025-11-14-12-47-13.jpg)
ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા ખાતે પંડિત સ્વ. જવાહરલાલ નહેરુની 136મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભાના સચિવ સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ નહેરુજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ સહ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે સ્વતંત્ર ભારત દેશના પ્રથમ વડાપ્રધાન સ્વ. પંડિત જવાહરલાલ નહેરુની 136મી જન્મજયંતિ નિમિત્તે તેમના તૈલચિત્ર સમક્ષ સચિવ સી.બી.પંડ્યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે વિધાનસભાના અધિકારીઓ, કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ પણ પંડિત જવાહરલાલ નહેરુને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ તા. 14મી નવેમ્બર, 1889ના રોજ અલ્લાહાબાદ (પ્રયાગરાજ) મુકામે થયો હતો. તેઓ બાળકોના પ્યારા હોવાથી તેમના જન્મદિનની ‘બાળદિન’ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે. પંડિત જવાહરલાલ નહેરુએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ પિતા મોતીલાલ નહેરુ સાથે અંગ્રેજોના કાળા કાયદા વિરુદ્ધ મહાત્મા ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાયા હતા, અને જીવનભર ગાંધીજી સાથે રહ્યા હતા.
વર્ષ 1947થી 1964 દરમિયાન ભારતના વડાપ્રધાન રહી પંડિત જવાહરલાલ નહેરુએ ભારતની શાન દુનિયાભરમાં વધારી, પંચશીલના સિદ્ધાંતો આપ્યા હતા. બિનજોડાણવાદી નીતિ, અણુયુગનો સમન્વય, પંચવર્ષીય યોજના તેમની દેણ હતી. ઝડપી આર્થિક વિકાસ દ્વારા સામાજિક ન્યાય હાંસલ કરવા, સંપત્તિની ન્યાયિક વહેંચણી કરવા અને સમાનતા વધારવા તેમણે અથાક પ્રયત્નો કર્યા હતા.