ચૈતર વસાવાના કેસમાં પોલીસ એફિડેવિટ રજૂ કરવામાં નિષ્ફળ રહેતા જામીનની સુનાવણી ટળી

'લાફા કાંડ' સંબંધિત કેસમાં રાજપીપળા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી માટે સુનાવણી હતી,પરંતુ પોલીસ દ્વારા એફિડેવિટ રજુ કરવામાં વિલંબ થતા સુનાવણી ટળી

New Update
Chaitar Vasava Bail Hearing

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને'લાફા કાંડસંબંધિત કેસમાં જામીન મેળવવામાં વધુ વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે.રાજપીપળા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી માટે સુનાવણી હતી,પરંતુ પોલીસ દ્વારા એફિડેવિટ રજુ કરવામાં વિલંબ થતા સુનાવણી ટળી હતી. 

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા વસાવાની જામીન અરજી પર આજે રાજપીપળાની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતીપરંતુ દેડિયાપાડા પોલીસ એફિડેવિટ એટલે કે સોગંદનામું રજૂ કરવામાં નિષ્ફળ રહેતા સુનાવણી તારીખ 11 જુલાઈ 2025 પર મુલતવી રાખવામાં આવી છે.

પ્રાથમિક માહિતી અનુસારજ્યાં સુધી પોલીસ તેમની એફિડેવિટ રજૂ નહીં કરે ત્યાં સુધી ચૈતર વસાવાને જામીન મળવા મુશ્કેલ છે. પોલીસ દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યા બાદ જ કોર્ટ દ્વારા જામીન અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.