બનાસકાંઠા : પિસ્તોલ સાથે ઉત્તરપ્રદેશથી મુંબઈ શેઠના ઘરે લૂંટ કરવા જતાં 3 ઇસમોની ધરપકડ...
બનાસકાંઠા અને રાજસ્થાન વચ્ચે આવેલી અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર બોર્ડર પર ફરજ પરની પોલીસ રૂટિન ચેકીંગ કરી રહી હતી.

બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પર ઉત્તરપ્રદેશથી મુંબઈ શેઠના ત્યાં લૂંટ કરવાના ઇરાદે પિસ્તોલ લઈને નીકળેલા 5 પૈકી 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા અને રાજસ્થાન વચ્ચે આવેલી અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર બોર્ડર પર ફરજ પરની પોલીસ રૂટિન ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક કાર ઉપર શક જતા તેને રોકાવી તલાશી લેવાનો પ્રયાસ કરતા કારમાં સવાર 5માંથી 2 ઇસમો પોલીસને જોઈ ભાગી ગયા હતા, જ્યારે પોલીસે અન્ય 3 ઇસમોને પકડી કારમાં તપાસ કરતા તેમાંથી દેસી બનાવટની 2 પિસ્તોલ અને 21 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જેથી પોલીસે પિસ્તોલ અને કારતૂસ સહિત 3 ઇસમોની અટકાયત કરી પૂછપરછ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, એક ઇસમ મુંબઈ નોકરી કરતો હતો, ત્યારબાદ ઘરે આવી અન્ય 4 મિત્રોને લઈ પોતાના વતન ઉત્તરપ્રદેશથી શેઠના ઘરે સોના-ચાંદી અને રોકડ રકમની લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે કુલ રૂ. 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલ અન્ય 2 ઇસમોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.