/connect-gujarat/media/post_banners/b09674038a8a22fe43e2ac38e64f43ecd9ce73ab2266ac2c3e1a5acf70f80240.jpg)
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખોડા ગામમાં લીલાછમ લીમડાના ઝાડમાં અચાનક આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખોડા ગામમાં આવેલ રામાપીર મંદિર નજીક એક લીલાછમ લીમડાના ઝાડમાં એકાએક ધુમાડા નીકળ્યા હોવાનું સામે આવ્યું હતું. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા, જ્યાં લીલાછમ ઝાડમાં આગ કેવી રીતે લાગી શકે તેવી વાતો વચ્ચે લોકો આશ્વર્યમાં મુકાયા હતા.
લીલાછમ ઝાડમાંથી ધુમાડા નીકળ્યા બાદ તુરંત જ આગની જ્વાળાઓ નજરે પડતાં લોકોએ ફાયર ફાઇટરોને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ થરા નગરપાલિકા સહિત SPCL કંપનીના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં ઝાડ પર સીડી લગાવી જોતાં ફાયર ફાઇટરોને ધુમાડા સાથે આગ ફાટી નીકળી હોવાનું દ્રશ્યમાન થયું હતું. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ ઝાડમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, લીલાછમ ઝાડમાં આગ લાગવાનું કારણ અકબદ્ધ રહ્યું હતું. પરંતુ કાળઝાળ ગરમીના કારણે ઝાડના થડમાં આગ લાગી હોવાનું લોકોએ અનુમાન લગાવ્યું હતું.