Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : રત્નકલા ક્ષેત્રે ગ્રામીણ મહિલાઓ અનોખી પહેલ કરી બની આત્મનિર્ભર

લવાણાની મહિલાઓ અનોખી પહેલ કરી બની આત્મનિર્ભર, મહિલાઓએ હવે રત્નકલા ક્ષેત્રમાં હાથ અજમાવ્યો.

X

બનાસકાંઠામાં રત્નકલા ક્ષેત્રે ગ્રામિણ મહિલાઓ અનોખી પહેલ કરી આત્મનિર્ભર બની છે. લાખણી તાલુકાના લવાણા ગામની મહિલાઓએ રસોઈ, ખેતી, પશુપાલનના વ્યવસાય બાદ હવે રત્નકલા ક્ષેત્રમાં હાથ અજમાવ્યો છે. મહિલાઓને ઘર આંગણે જ રોજગારી મળે તે માટે ગ્રામ પંચાયત દ્વારા હીરા ઘસવાની તાલીમ અપાઈ રહી છે.

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના લવાણા ગામની ગ્રામ પંચાયત દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનોખી પહેલ કરવામાં આવી છે. ગ્રામિણ વિસ્તારની મહિલાઓ આર્થિક રીતે પગભર બને, રોજી રોટી માટે ગામની બહાર ન જવું પડે અને ઘર આંગણે જ તેમને રોજગારી મળી રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા બહેનોને હીરા ઘસવાની તાલીમ અપાય છે. ગામની મહિલાઓએ રસોઇ, ખેતી અને પશુપાલનના વ્યવસાય બાદ હવે રત્નકલા ક્ષેત્રમાં હાથ અજમાવ્યો છે.

આ વિસ્તારની સામાજિક રૂઢીચુસ્તતાના લીધે મહિલાઓ હીરા ઘસવાના કામથી ઘણી જ દૂર હતી. પરંતું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન અને મહિલા સશક્તિકરણને વેગ આપવા લવાણા ગામના મહિલા સરપંચ દેમાબેન રાજપૂત અને તેમના પુત્ર રામાભાઇ રાજપૂત દ્વારા ગામની મહિલાઓને ઘર આંગણે રોજગારી આપવા અનોખી પહેલ કરવામાં આવી છે. જેનાથી છૂટક મજૂરી કરતી ગામની માતાઓ, બહેનો અને દિકરીઓ પણ ગામમાં જ રોજગારી મેળવી પોતાના કુંટુંબને આર્થિક રીતે સશક્ત બનાવવા મદદરૂપ બની શકશે.

ગામના અગ્રણી રામાભાઈ રાજપૂતે કહ્યું કે, અમારી ગ્રામ પંચાયતના સાથ અને સહકારથી ગામની માતાઓ, બહેનો અને દિકરીઓને આર્થિક રીતે પગભર બનાવવા હીરા ઘસવાની તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે. હાલમાં 50 જેટલી બહેનોએ હીરાની તાલીમ માટે નામ નોંધાવ્યાં છે. આ પછી અમને સમજાયું કે, રત્નકલાના કામને લઇ માતાઓ-બહેનો ખુબ જ ઉત્સાહીત છે. મહિલાઓને પગભર કરવાના અમારા આ કાર્યમાં નજીકના કુવારા ગામમાં રહેતા રમેશભાઈએ મહિલાઓને હીરા ઘસવાની નિઃશુલ્ક તાલીમ આપવા માટે એક ટ્રેનર પણ આપ્યાં છે, તેમજ તાલીમ પૂર્ણ થયા પછી તેમને કામ મળી રહે અને તૈયાર થયેલા તમામ હીરા પણ તેઓ ખરીદશે.

રામાભાઇએ જણાવ્યું કે, અત્યારે અમારી પાસે હીરા ઘસવાની બે ઘંટીઓ છે અને 8 બહેનોને તાલીમ આપી રહ્યાં છીએ. પરંતુ ટૂંક જ સમયમાં અમે બીજી વધારે ઘંટીઓ ખરીદી તમામ બહેનોને હીરા ઘસવાની તાલીમ આપી સજ્જ કરી રોજગારી અપાવીશુ. વધુમાં તેમણે કહ્યું કે, એક બહેનને રત્ન કલાકાર તરીકે તૈયાર કરવા હીરાની તાલીમ માટે અંદાજે રૂપિયા 5 થી 7 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે પરંતું બહેનોએ કોઇપણ પ્રકારનો તાલીમ ખર્ચ આપવાનો નથી તાલીમ તદ્દન નિશુલ્ક રાખેલી છે.

ગામની મહિલા રત્ન કલાકાર તાલીમાર્થી બહેનોએ જણાવ્યું હતું કે, અમારી લવાણા ગ્રામ પંચાયત તેમજ રામાભાઈ રાજપૂત દ્વારા મહિલાઓને હીરા ઘસવાની તાલીમ અને ત્યારબાદ અહીં જ રોજગારીની ઉત્તમ તક મળી રહે તે માટે મહિલાઓના હિતમાં તેઓ ઉમદા કાર્ય કરી રહ્યાં છે. જેનાથી આ ગામની મહિલાઓ ગામમાં જ રત્ન કલાક્ષેત્રે કામ કરી સારી આવક મેળવી શકશે. તેમણે કહ્યું કે, રત્નકલાની આ કમાણી અમારા ઘર ખર્ચ માટે તેમજ બાળકોના શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી થશે.

ઉલ્લેખનીય છે કે, મહિલાઓ હવે દરેક ક્ષેત્રે આગળ વધી સમાજ દેશનું ગૌરવ વધારી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના લવાણા ગામની મહિલાઓએ પણ હવે રત્નકલા ક્ષેત્રે હાથ અજમાવી અન્ય મહિલાઓ માટે નવી રાહ ચીંધી છે.

Next Story