રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ તમામ પ્રયાસ કરી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસની નજર હવે ઓબીસી સમાજ પર છે. કોંગ્રેસ હવે ઓબીસી સમાજ માટે સત્યાગ્રહ કરશે. જેમાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી વિજય વદીતવારની નિરીક્ષક તરીકે નિમણુંક કરાઈ છે.
કોંગ્રેસ આગામી ચૂંટણીના અનુસંધાને 'OBC અધિકાર સત્યાગ્રહ' શરૂ કરશે. 182માંથી 40 બેઠકો પર OBC સમાજના મતો સીધી નિર્ણાયક સ્થિતિમાં છે. તમામ 40 બેઠકો પર OBC અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમ અમલમાં મુકાશે. OBC મુદ્દે અગાઉ કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'OBCનું રાજકીય અસ્તિત્વ ખતમ કરી નાખવા સ્થાનિક ચૂંટણીમાં 10 ટકા અનામત દૂર કરી નાખી છે. વસ્તીના પ્રમાણમાં બજેટમાં હિસ્સો મળવો જોઈએ. આ સહીતની માંગો સંતોષવાની વાત તો બાજુ પર રહી પરંતુ પછાત વર્ગના બોર્ડ નિગમો અને પૂરતું બજેટ ન ફાળવવું અને એક પણ રૂપિયાની સહાય વગર ફક્ત ચૂંટણી આવે, ત્યારે મત બેંક તરીકે ઉપયોગ કરાયો છે.
વધુમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા અનામત હતી. જેને નાબૂદ કરી દેવામાં આવી, ત્યારે ગુજરાત કોંગ્રેસ ઓબીસી સમાજની પ્રભુત્વ વાળી 40 બેઠકો પર સંમેલન ખાટલા બેઠક અને ડોર ટુ ડોર સંપર્ક કરશે તો બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ એક્શનમાં આવતા રાજસ્થાનના CM અશોક ગેહલોત મંગળવારે રાજકોટની મુલાકાતે આવવાના છે. જેમાં ગેહલોત સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોનો રિપોર્ટ મેળવશે. હેમુ ગઢવી હોલમાં રાજકોટ સૌરાષ્ટ્રના આગેવાનો સાથે ગેહલોત બેઠક કરશે. પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકોએ આપેલા રિપોર્ટની સમીક્ષા કરશે.