ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા પાંચ યાત્રા યોજી 182 બેઠક કવર કરવા માટેની તૈયારી કરી નાખી છે. ગુજરાતમાં નબળી ગણાતી બેઠક કવર કરવા ધાર્મિક સ્થાનોની યાત્રા યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.ભાજપ, કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોના ગુજરાતમાં આંટાફેરા વધવા લાગ્યા છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ આગામી ધનતેરસ પહેલાં ગુજરાતમાં 182 વિધાનસભા પર ગૌરવ યાત્રા યોજી કવર કરવા આદેશ આપવામાં આવ્યા છે.
આ યાત્રા ગુજરાતના મોટાભાગના ધાર્મિક સ્થાનો થી શરૂ થઈ 182 વિધાનસભા બેઠક આવરી લેવામાં આવશે અને કુલ પાંચ યાત્રા યોજવામાં આવશે. જેમાં ઝાંઝરકા થી સોમનાથ નો પણ સમાવેશ થાય છે. આસ્થાના પ્રતિક સમા ઝાંઝરકા થી આ યાત્રા સોમનાથ આવશે અને સૌરાષ્ટ્રની 26 બેઠકો આવરી લેવામાં આવશે. આ વિસ્તારો એવા છે જે ખેતી આધારિત છે અને ખેતી લક્ષી સરકારી અને સંગઠનની કામગીરી મુદ્દે આ વિસ્તારમાં યાત્રા મારફત પ્રચાર કરવામાં આવશે.
ઝાંઝરકા થી શરૂ થઈને સોમનાથ માં પૂર્ણ થતી ગુજરાત ગૌરવ યાત્રા માર્ગ પર ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ખૂબ મોટું નુકસાન થયું હતું. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની મોટા ભાગની બેઠકો પર ભાજપના ઉમેદવાર ચૂંટણી જીતવા માં નિષ્ફળ રહ્યા હતા. જેમાં જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લાની વિધાનસભા બેઠકો નો સમાવેશ થાય છે. આ ત્રણેય જિલ્લામાં 2017 વિધાનસભામાં માત્ર કેશોદ બેઠક પર જ ભાજપનો ભગવો લહેરાયો હતો અને બાકીના તમામ બેઠકો કોંગ્રેસે લઈ લીધી હતી.
જો કે, 2017 બાદ ઘણા કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ પક્ષપલટો પણ કર્યો છે. જેમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લાની અમુક બેઠકોનો સમાવેશ થાય છે ભાજપે ધર્મસ્થાનોની જોડતી ગુજરાત ગૌરવ યાત્રા પાંચ તબક્કામાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જે પૈકી એક યાત્રા સુરેન્દ્રનગર ધર્મસ્થાન ઝાંઝરકા થી શરૂ થઈને સોમનાથ ખાતે પૂર્ણ થશે.