અમદાવાદ શહેરના સરખેજમાં આવેલા ભારતી આશ્રમ મહંત વિશ્વંભર ભારતી બાપુના શિષ્ય ઋષિ ભારતી પણ ચૂંટણી જંગમાં મેદાનમાં ઉતાર્યા છે. ઋષિ ભારતી બાપુએ ગુજરાત વિધાનસભાની બોટાદ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. એટલે કે, બોટાદ બેઠક પર ભાજપ, કોંગ્રેસ આમ આદમી પાર્ટી ઉપરાંત અપક્ષ ઉમેદવારી કરી રહેલા ઉમેદવારોને ઋષિ ભારતી બાપુ ટક્કર આપશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ ખૂબ જ રસપ્રદ બન્યો છે. જે પ્રકારે હાલ ઉમેદવારી ફોર્મ ભરાઈ રહ્યાં છે, તેમ ગુજરાતમાં રાજકીય ગરમાવો પણ વધુને વધુ તેજ બની રહ્યો છે. ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટી પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ હાલમાં ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહેલા ઉમેદવારો શક્તિ પ્રદર્શન અને જીતના વિશ્વાસ સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવી રહ્યાં છે. આમ તો આ વખતે ભાજપે પણ વિધાનસભા ચૂંટણીમાં સાધુ-સંતોને પણ મેદાનમાં ઉતાર્યા છે. અમદાવાદમાં સરખેજમાં આવેલ ભારતી આશ્રમ ખુબ જ પ્રખ્યાત છે. આ આશ્રમના મહંત ભારતી બાપુ બ્રહ્મલીન થયા છે. પરંતુ તેમના શિષ્ય ઋષિ ભારતી બાપુ આ વખતે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં મેદાને ઉતર્યા છે. તેઓએ 107 બોટાદ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ઋષિ ભારતી બાપુ અનેક વખત આશ્રમને લઈ વિવાદોમાં આવ્યા છે, ત્યારે તેમની ઉમેદવારીથી રાજકીય માહોલ ગરમાયો છે.