/connect-gujarat/media/post_banners/83aba84fab703ca69cbe8fd3d3b2fdbf7b5b1b79480c31ada7a695898612d820.jpg)
ભરૂચ અને નર્મદા જીલ્લાના સાતપુડા ડુંગર વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકામાં વર્ષો અગાઉ રાજ્ય સરકાર દ્વારા ટોકરી નદી ઉપર આવેલ બલદવા, પીંગોટ અને મધુવંતી નદી ઉપર પીંગોટ ડેમનું નિમૉણ કરવામાં આવ્યું હતું, ત્યારે ભરૂચ જીલ્લાના વાલીયા, ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં વસવાટ કરતાં પશુ-પક્ષી, ખેડૂતો અને આમ પ્રજા માટે આ ડેમને આશીર્વાદરૂપ માનવામાં આવે છે.
જોકે, હાલ ચોમાસાની સિઝનના પ્રારંભની સાથે જ મેઘરાજા મન મુકીને વરસતા બલદવા, પીંગોટ-ધોલી ડેમની પાણીની સપાટીમાં ધરખમ વધારો થયો છે. બલદવા ડેમના ઉપરવાસમાં ૨૦.૭૯ ઇંચ વરસાદથી ડેમનું લેવલ ૧૩૭.૬૪ મીટર, પીંગોટ ડેમના ઉપરવાસમાં ૨૦.૬૬ ઈંચ વરસાદથી ડેમનું લેવલ ૧૩૫.૯૦ મીટર અને ધોલી ડેમના ઉપરવાસમાં ૧૩.૧૨ ઈંચ વરસાદથી ડેમનું લેવલ ૧૩૨.૮૦ મીટ૨ થવા પામ્યું છે. જોકે, રાબેતા મુજબ વરસાદ પડે તો આ ત્રણેય ડેમ થોડા સમયમાં જ ઓવર-ફ્લો થઇ શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળાની સિઝનમાં ગરમીના પ્રકોપના કારણે સુકાયેલા બોર, કુવા તેમજ નદી-નાળા સહિત જળાશયો હાલ ચોમાસાના પ્રારંભે પાણીથી છલકાયા છે. તો બીજી તરફ મોસમનો કુલ ૧૪.૫૮ ઇંચ વરસાદ થયો છે. સતત પડી રહેલા વરસાદના કારણે મોટાભાગના ખેડૂતો દ્વારા સોયાબીનના પાકની વાવણી બાકી રહી ગઈ છે. જોકે, હવે વરસાદ થોડો વિરામ લે તો વાવણી શક્ય બનશે તેવું ખેડૂતોનું માનવું છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે સમગ્ર પંથકના રોડ-રસ્તા ઉપર વરસાદી પાણી પણ ફરી વળ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.