ભરૂચ : પાંચ ચોમાસા વીતી ગયાં છતાં નથી બનતો રસ્તો, જુઓ વેપારીઓએ શું આપી ચીમકી
ચોમાસાની શરૂઆત થતાંની સાથે ભરૂચમાં રસ્તાઓ અને ગટરની સમસ્યાઓ શરૂ થઇ ચુકી છે. ફાટાતળાવથી ફુરજા સુધીનો રસ્તો અને ગટર બનાવવામાં થઇ રહેલાં વિલંબથી
ચોમાસાની શરૂઆત થતાંની સાથે ભરૂચમાં રસ્તાઓ અને ગટરની સમસ્યાઓ શરૂ થઇ ચુકી છે. ફાટાતળાવથી ફુરજા સુધીનો રસ્તો અને ગટર બનાવવામાં થઇ રહેલાં વિલંબથી ત્રાહિમામ પોકારી ઉઠેલા વેપારીઓએ ચકકાજામ કરવાની ચીમકી આપી છે.....
ભરૂચ શહેરના ફાટાતળાવથી ફુરજા વિસ્તારમાં અનાજ કરિયાણા સહિત અનેક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો આવેલી છે. ભરૂચ શહેર ઉપરાંત આજુબાજુના ગામડાઓમાંથી લોકો ખરીદી માટે ગાંધીબજાર, ફાટાતળાવ અને કતોપોર બજારમાં ખરીદી માટે આવે છે. આ વિસ્તારમાં હજારો લોકોની અવરજવર રહેતી હોવાથી તથા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો રૂટ હોવાથી નવો રસ્તો તથા ગટર બનાવવા માટે 3.28 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યાં છે. રસ્તા અને ગટરનું કામ મંજુર થઇ ગયું હોવા છતાં કોન્ટ્રાકટરે કામગીરી શરૂ નહિ કરતાં વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે. ચોમાસાની શરૂઆત થતાંની સાથે આ વિસ્તારમાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે.
ગાંધીબજારની ગણના સૌથી જુના બજારમાં થાય છે. અહીંના વેપારીઓ અને સ્થાનિક રહીશોની માંગણીને ધ્યાનમાં રાખી નગરપાલિકાએ રસ્તો અને ગટર મંજુર કરી દીધાં છે પણ કામગીરી હજી સુધી શરૂ થઇ નથી. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, 10 દિવસ પહેલાં નગરપાલિકાના મુખ્ય અધિકારીને આ બાબતે રજુઆત કરી છે પણ કોઇ પરિણામ આવ્યું નથી. બીજી તરફ કોન્ટ્રાકટરને ફોન કરવામાં આવે છે ત્યારે તે તેની પાસે શ્રમજીવીઓ નહિ હોવાની વાત કરે છે. પાંચ -પાંચ ચોમાસા વીતી ગયાં હોવા છતાં રસ્તો અને ગટર બન્યાં નથી. દર ચોમાસામાં આ વિસ્તારમાં ગટરોમાં વાહનો તથા લોકોના ખાબકવાના બનાવો બનતાં રહે છે. બે દિવસમાં કામગીરી શરૂ નહિ કરાય તો ચકકાજામ કરવામાં આવશે.