/connect-gujarat/media/post_banners/a23962472787b0e8c0019e55d18c56998b71a487ac74bd1b157992d859953669.jpg)
ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ખેડુતોની આર્થિક મજબુરીનો લાભ ઉઠાવી તેમની જમીનો પચાવી પાડવામાં આવતી હોવાના ખેલનો પર્દાફાશ થયો છે. હાંસોટ તાલુકાના અણીયાદરા ગામના ખેડુતોએ ભુમાફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.
હાંસોટ તાલુકાના અણીયાદરા ગામના અરજદાર અંબાબેન પટેલ તથા અન્ય અરજદારોના જણાવ્યા મુજબ ભુમાફિયાઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે સરકાર લેન્ડગ્રેબિંગ એકટ લાવી છે પણ તેનો અમલ થતો નથી. આર્થિક રીતે મજબુર બનેલાં ખેડુતો પાસેથી જમીનના નામે બાનાખત કરાવી લેવામાં આવે છે અથવા દસ્તાવેજ લખાવી લેવામાં આવે છે. વ્યાજખોર ભુમાફિયાઓ ખેડતોની જમીનો પચાવી પાડી પોતે કરોડો રૂપિયાના આસામી બની ગયાં છે.
ભરૂચ કલેકટરને આવેદનપત્રમાં આવા ભુમાફિયાઓમાં નરેશ રામજી માણીયા, અશોક રામજી માણીયા, પોપટ રણછોડ ભાદાણી અને અરવિંદ લાઠીયા સહિતના અનેક ભુમાફિયાઓના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભોગ બનેલાં ખેડુતોએ જણાવ્યું હતું કે, ભુમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી તથા સ્થાનિક અધિકારીઓને વારંવાર રજુઆત કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓ આરોપીઓ સામે કાર્યવાહી કરવાના બદલે તેમને છાવરી રહયાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એક તરફ સરકાર ભુમાફિયાઓને અંકુશમાં લેવામાં કડક કાયદાઓ ઘડી રહી છે પણ તેનો અમલ નહિ થતાં ભુમાફીયાઓની હિમંત વધી હોવાનું અરજદારો માની રહયાં છે.