ભરૂચ શહેરમાં રવિવારના રોજ વરસાદી માહોલમાં શ્રીજી વિસર્જન કરવામાં આવ્યું હતું. પાર્વતીપુત્ર ગણેશજીની વિદાય ટાણે ખુદ મેઘરાજાએ અભિષેક કર્યો હોય તેવી અનુભુતિ ભાવિક ભકતોએ કરી હતી. કોરોનાની મહામારી વચ્ચે રાજય સરકારે ગણેશોત્સવની ઉજવણીને મંજુરી આપતાં ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. દસ દિવસની મહેમાનગતિ માણ્યા બાદ રવિવારે દુંદાળાદેવે વિદાય લીધી હતી. ભરૂચમાં મકતમપુર ,મોદી પાર્ક અને સિવિલ હોસ્પિટલ રોડ પાસે કુત્રિમ જળકુંડમાં શ્રીજીની પ્રતિમાઓ વિર્સજીત કરવામાં આવી હતી.
ગણેશ વિસર્જનને અનુલક્ષી પોલીસ વિભાગ પણ એકશનમાં આવી ગયો હતો. સરકારે વિસર્જનમાં માત્ર 15 લોકોને સામેલ થવાની છુટ આપી છે. વિસર્જન ટાણે ભાવિકોના ટોળા ન જામે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ગણેશ વિસર્જન માટે લોકો નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ કે નવા બનાવેલાં નર્મદા મૈયા બ્રિજ પર ન પહોંચી જાય તે માટે પોલીસ જવાનો ગોઠવી દેવાયાં હતાં.