સુરત-પલસાણાથી ગડ્ડી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો
આંતરરાજ્ય 80થી વધુ ગુન્હાને આપી ચૂક્યો છે અંજામ
ગડ્ડી ગેંગના 7 સાગરીતોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા
રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રીયકૃત બેંકોમાં રૂપિયા જમા કરાવવા આવતા ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. જેમાં કાગળની ગડ્ડી બનાવીને ગ્રાહકોને વિશ્વાસમાં લઈ તેમની સાથે ગડ્ડી ચિટિંગ કરતાં તત્વોએ હાહાકાર મચાવ્યો હતો, ત્યારે ભરૂચ LCB પોલીસે સુરત શહેરના પલસાણા ખાતેથી ગડ્ડી ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે.
ગડ્ડી ગેંગના ઝડપાયેલ મુખ્ય સુત્રધારે સુરત, અંકલેશ્વર સહીત આંતર રાજ્યના 80થી વધુ છેતરપીંડીના ગુનાઓને અંજામ આપ્યો હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી છે. ગડ્ડી ગેંગના સાગરીતો બેંકમાં રૂપિયા જમા કરાવવા માટે આવતા ગ્રાહકો પર વોચ ગોઠવતા હતા. ત્યારબાદ આ ગ્રાહકોને વિશ્વાસમાં લઇ કાગળની ગડ્ડી આપી તેમના પાસેના રૂપિયા લઈ છેતરપિંડીની ઘટનાને અંજામ આપતા હતા. આ ટોળકી છેલ્લા ઘણા વર્ષ દરમિયાન અનેક ગુન્હાઓ આચાર્ય છે. તો બીજી તરફ, ગડ્ડી ગેંગના અન્ય 7 સાગરીતોને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.