આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ સહિત રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાન અંતર્ગત સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ દ્વારા વિશ્વમ ગ્રીન સોસાયટીમાં ચાલતી યોગ કક્ષાની બહેનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક હેમા પટેલ દ્વારા બહેનોને 'માટીને નમન વીરોને વંદન' કરવા માટે હાથમાં માટી લઈ પંચ પ્રણના શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત બહેનોએ સાથે મળી શપથ લીધા હતા કે, દેશને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સપનું સાકાર કરીશું, ગુલામીની માનસિકતાને જડમૂળથી ઉખાડીને ફેંકી દઈશું, દેશની સમૃદ્ધ વિરાસત પર ગર્વ કરવા ભારતની એકતાને સુદ્રઢ કરવા અને દેશની રક્ષા કરવાવાળાનું સમ્માન કરવા એવં દેશના નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવીશું. દેશના ગુમનામ નાયકો અને શહીદોને યાદ કરી માટીને કળશમાં સંગ્રહિત કરવામાં આવી, તેને દિલ્હી પહોંચાડવામાં આવશે. દેશની સ્વતંત્રતાનો રાષ્ટ્રીય પર્વ ઉજવવા રાષ્ટ્રઘ્વજ તિરંગા સાથે વિવિધ યોગાસનો કરી અનોખી રીતે દેશના વીર શહીદો અને ગુમનામ નાયકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રમુખ ભાવના સાવલીયા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને રાષ્ટ્રગીત ગવડાવવામાં આવ્યું હતું.