ભરૂચ: સાયબર ક્રાઈમનો ભોગ બન્યા 2 યુવકો, લોભામણી લાલચમાં કરોડો ગુમાવ્યા

ભરૂચમાં બે અલગ અલગ બનાવોમાં લોભામણી લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.

New Update
cyber crime

ભરૂચમાં બે અલગ અલગ બનાવોમાં લોભામણી લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા અને વેબસાઈટના માધ્યમથી લોકોને લોભામણી લાલચ આપી છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ ભરૂચ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમના બનાવો વધી ગયા છે, ત્યારે ભરૂચમાં આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેના પર નજર કરીએ તો ભરૂચ તાલુકાના દહેગામ ખાતે રહેતા નુમેર મુસ્તાક અલી મોહમ્મદ ઈસ્માઈલ પટેલને અજાણ્યા વોટ્સએપ નંબર પરથી એક વ્યક્તિએ સંપર્ક કર્યો હતો, અને તેને લોભામણી લાલચ આપી પ્રથમ ફરિયાદીને નાની નાની રકમ ચૂકવી હતી.પરંતુ ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટના નામે ટેલીગ્રામની અનેક લિંક મોકલી હતી અને તેના પર તબક્કાવાર ઇન્વેસ્ટમેન્ટના નાણા જમા કરાવવા જણાવ્યું હતું. વર્ષ 2023ના જુલાઈ મહિનાથી ડિસેમ્બર મહિના સુધીમાં આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા એક કરોડ 20 લાખ 34 હજાર પડાવી લીધા હતા. આ મામલે ફરિયાદીએ ભરૂચ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
તો અન્ય બનાવમાં ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલ મંગલતીર્થ સોસાયટીમાં રહેતા ફરિયાદી પ્રદીપ ભટ્ટને પણ વોટ્સએપ ગ્રુપ  ઇન્વેસ્ટર એલાયન્સના ગ્રુપ એડમીન તરીકે કુણાલસિંગ  નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો.કુણાલસિંગે ફરિયાદીને સ્ટોક ટ્રેડિંગ કરાવી મોટી રકમનો નફો મેળવવાની લોભામણી લાલચ આપી હતી, અને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. જેમાં નફા સહિતના રૂપિયા ઉપાડવા માટે અલગ અલગ ચાર્જ પેટે ફરિયાદી પાસે રૂપિયા 53 લાખ 70 હજાર 633 પડાવી લેવામાં આવ્યા હતા.આ અંગે ફરિયાદીએ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે ભરૂચ વિભાગીય પોલીસ વડા સી.કે.પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે બન્ને મામલામાં ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2008 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલામાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરવામાં આવી રહી છે.
Latest Stories