ભરૂચ જિલ્લાના આમોદ ખાતે અંધશ્રદ્ધામાં અંધ બનેલા પરિવારજનોએ માસુમ બાળકનો જીવ ગુમાવ્યો

સમાજમાંથી અંધશ્રદ્ધાનું દૂષણ દૂર થવાના બદલે હજુ પણ ઘણાખરા લોકો તેમાં ડૂબી રહયા છે,અને તેનું ગંભીર પરિણામ ભોગવી રહ્યા છે.આવો જ એક ચોંકાવનારો કિસ્સો આમોદ માંથી પ્રકાશમાં આવ્યો

author-image
By Connect Gujarat Desk
New Update

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે એક માસુમને સાપે દંશ દીધો હતો,જોકે પરિવારે સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાના બદલે ભૂવા પાસે લઇ ગયા હતા,જ્યાં સારવારના અભાવે બાળકનું કરુણ મોત નીપજ્યું હતું.જેના કારણે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

એક તરફ શિક્ષણનો ગ્રાફ વધતો જાય છે અને લોક જાગૃતિ માટેના વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,તો બીજી તરફ સમાજમાંથી અંધશ્રદ્ધાનું દૂષણ દૂર થવાના બદલે હજુ પણ ઘણાખરા લોકો તેમાં ડૂબી રહયા છે,અને તેનું ગંભીર પરિણામ ભોગવી રહ્યા છે.આવો જ એક ચોંકાવનારો કિસ્સો આમોદ માંથી પ્રકાશમાં આવ્યો હતો.જેમાં બન્યું કંઈક એવું હતું કે આમોદ ખાતે રહેતા કાંતિ રાઠોડના 11 વર્ષીય પુત્ર રમણ રાઠોડને ઝેરી સાપે દંશ દીધો હતો.
અને ઝેરની અસરથી રમણ રાઠોડ પોતાને અસ્વસ્થ અનુભવી રહ્યો હતો,જે અંગેની જાણ તેના પરિવારને થતા પિતા કાંતિ રાઠોડ માસુમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઇ જવાના બદલે ગામમાં આવેલ ભાથીજી મહારાજના મંદિરના મહંત તેના કાકા સંજય રાઠોડ પાસે લઇ ગયા હતા,જ્યાં ઈલાજ કરવાના બદલે અંદાજીત બે કલાક સુધી સારવાર વગર બાળક તરફડીયા મારી રહ્યો હતો,અને અંતમાં 11 વર્ષીય રમણે અંતિમ શ્વાસ લીધા હતા.સર્જાયેલી ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
આ અંગે વિભાગીય પોલીસ વડા પી એલ ચૌધરીએ જણાવ્યું હતું કે આ ખુબ જ ગંભીર બેદરકારી છે,તેથી મૃતક બાળકના પિતા અને તેના મહંત કાકા વિરુદ્ધ ગંભીર બેદરકારીનો ગુનો દર્જ કરવામાં આવશે,તેમજ મામલતદાર ની હાજરીમાં બાળકનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરીને વધુ તપાસ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.
Latest Stories