વાગરા ગામના ખાન તળાવ નજીક સર્જાયો અકસ્માત
જાનૈયાઓની ખાનગી લક્ઝરી બસને નડ્યો અકસ્માત
બસના ચાલકનો સ્ટિયરિંગ પર કાબૂ ન રહેતા અકસ્માત
બસ પલટી મારતાં કેટલાક મુસાફરોને પહોચી ઇજાઓ
તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
ભરૂચ જિલ્લાના વાગરા નજીક જાનૈયાઓ ભરેલી ખાનગી લક્ઝરી બસ પલટી મારી જતાં અકસ્માતમાં કેટલાક મુસાફરોને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના વાગરાથી જાનૈયાઓને લઈને ભરૂચ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાના પગલે હાઇવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેથી બસ રોડની સાઈડમાં ઊતરી ગઈ હતી, અને 2-3 વાર પલટી મારી હતી. જેથી બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બનાવની જાણ થતાં જ વાગરા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વળી, નજીકના સ્થાનિકો પણ મદદ માટે તુરંત પહોંચી ગયા હતા. પોલીસ અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતના કારણે કેટલાક મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે, આ ગંભીર ઘટનામાં કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. તો બીજી તરફ, વાગરા પોલીસે અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી હતી.