ભરૂચ-અંકલેશ્વરમાં નાતાલ પર્વની ઉજવણી કરાય
હર્ષોલ્લાસ સાથે ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા
શહેરના દેવળોમાં વિશેષ પ્રાર્થના સભા યોજાય
એકમેકને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવાય
ખ્રિસ્તી સમાજમાં નવા વર્ષની ઉજવણીનું કાઉન્ટડાઉન
ભરૂચ તથા અંકલેશ્વરમાં વસતા ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા આજરોજ નાતાલના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
હાલ વિશ્વભરમાં નવા વર્ષને આવકારવા સૌ થનગની રહ્યા છે. નવા વર્ષના આગમન પૂર્વે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભરૂચમાં પણ આજરોજ નાતાલના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં વસતા ખ્રિસ્તી ધર્મના લોકોએ નાતાલ પર્વ નિમિત્તે ચર્ચમાં યોજાયેલ વિશેષ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો, અને ભગવાન ઈસુના ગુણગાન ગાયા હતા. તો એકમેકને નાતાલના પર્વની શુભકામના પણ પાઠવામાં આવી હતી. ભરૂચની એમિટી સ્કૂલ નજીક આવેલ ચર્ચ, તો સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે આવેલ ચર્ચમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ જોડાય પ્રભુ ઈસુની પ્રાર્થના કરી હતી.
તો બીજી તરફ, અંકલેશ્વરમાં પણ ખ્રિસ્તી સમાજ દ્વારા નાતાલના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પીરામણ નાકા નજીક આવેલ ચર્ચમાં નાતાલ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો જોડાયા હતા. પ્રાર્થના સભા દરમિયાન શાંતિ, પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિતોએ એકમેકને નાતાલના પર્વની શુભકામનાઓ પાઠવી હતી. નાતાલના પર્વને અનુલક્ષીને ચર્ચને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું હતું.